- ગુજરાત યુનિ.ના સ્ટાફ ક્વાટરમાં દારુની મહેફિલ
- સિક્યુરિટી અને પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ
- વીડિયોમાં બન્ને ડાન્સ કરતા નજરે પડ્યા
ગુજરાત પોલીસની કામગીરી સામે સવાલો ઊભો કરી તેવી ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ વિભાગના સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મચારીનો યુનિવર્સિટીના ક્વાર્ટરમાં જ દારૂ પીને ડાંસ કરતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બંને કર્મચારીઓના હાથમાં ગ્લાસ છે અને પાછળ ટેબલ પર દારૂની બોટલ પડેલી છે. એટલું જ નહીં બંને કર્મચારીઓ દારૂના નશામાં મદમસ્ત થઈને આ કર્મચારીઓ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.
દારૂના નશામાં મદમસ્ત થઈને પોલીસકર્મીએ ડાંસ કર્યો
એકબાજુ તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના કાયમી સિક્યોરિટી ગાર્ડ જ આ રીતે પોલીસ કર્મચારી સાથે દારૂ પીતા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીમાં કાયમી કર્મચારીઓને રહેવા માટે ક્વાર્ટરની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે GMDC પાસે આવેલા સરકારી ક્વાટર્સમાં રહેતા સિક્યોરિટી ગાર્ડની દારૂની મહેફિલનો વીડિયો હવે સામે આવ્યો છે.
આ મહેફિલમાં યુનિવર્સિટીના સરકારી કર્મચારીની સાથે પોલીસ વિભાગમાં સ્પેશ્યલ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી ઈશ્વરભાઈ પણ દેખાય છે. બંને કર્મચારીઓ દારૂના નશામાં મદમસ્ત થઈને નાચી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે પોલીસકર્મી અને ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીનો દારૂનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.