Wednesday, December 25, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ગૂજરાત વિદ્યાપીઠમાં ફી વધારો : હવે અભ્યાસ 270 % મોંઘો પડશે

  • નવા સત્તાધીશોની નવા નાકે દિવાળી જ્યારે વિદ્યાર્થીઓને હૈયાહોળી
  • અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પાસેથી રજિસ્ટ્રેશનનાય એક હજાર વસૂલાશે
  • છાત્રાલયની ફીમાં પણ બેથી ત્રણ ગણો વધારો કરવાની ફિરાક

ગૂજરાત વિદ્યાપીઠના નવા સત્તાધીશોએ ગરીબ અને મધ્યમવર્ગના રાજ્યના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓના માથે 270 ટકા જેટલો ફી વધારો ઝિંકતાં ભારે આક્રોશ ફેલાયો છે. અંડર ગ્રેજ્યુએટ કોર્સીસની વાર્ષિક ફી રૂ.4,650 લેવામાં આવતી હતી વધારીને રૂ.14,000 કરવામાં આવી છે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસમાં રૂ.5,400 ફી લેવાતી હતી જે વધારીને રૂ.20,000 કરવામાં આવી છે. ફી વધારાની સાથે સાથે આ વખતે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના માથે રજીસ્ટ્રેશન ફીના નામે પણ વધુ રૂ.1 હજારનો બોજ નાંખવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવતી નહોતી. ફી વધારાના પગલે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમા રોષ ફેલાતા રજીસ્ટ્રાર અને કુલનાયકને 100થી વધુ ઈ-મેઈલ દ્વારા ફી વધારો પરત ખેંચવાની માગ કરવામાં આવી છે. વિદ્યાપીઠના કુલનાયક ભરત જોષીએ આ અંગે બચાવ કરતાં એમ કહ્યુ હતુ કે, તમામ કોર્સીસની ફી જોઈએ તો 10થી 12 ટકાનો જ વધારો થયો છે, પરંતુ તેમને યુજી અને પીજીના કોર્સમાં જે વધારો થયો છે તેની સ્પષ્ટા અગે પૂછતા તેમણે સ્વિકાર કર્યો હતો. તેમણે બચાવ એવો કર્યો હતો કે, આ ફી માળખુ નવા વિદ્યાર્થીઓ માટે છે જૂના માટે નહી, આમ નવા જૂનાની નીતિ આગળ ધરવામાં આવી રહી છે.

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં યુજી, પીજી, ડીપ્લોમા સહિતના કોર્સની ફીનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી વિદ્યાપીઠ દ્વારા જે ફી માળખુ જાહેર કરવામાં આવતું હતું તેમાં તમામ કોર્સીસની વિવિધ હેડ અંતર્ગત લેવાતી ફીની વિગતો જાહેર કરવામાં આવતી હતી. સાથે સાથે છાત્રાલય સહિતની ફીની વિગતો પણ જાહેર કરવામાં આવતી હતી, જે વાર્ષિક ફી માળખુ જાહેર કરાતુ હતુ. પરંતુ આ વખતે વિદ્યાપીઠના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને ગુમરાહ કરી શકાય તે માટે માત્ર 6 હેડ અંતર્ગત એકદમ શોર્ટમાં ફી માળખુ જાહેર કરવામાં આવ્યું. જેમાં યુજી, પીજી, પીજી ડીપ્લોમાં અને પીએચ.ડી એમ કુલ ચાર પ્રકારની સેમેસ્ટર દીઠ ફી જાહેર કરી છે. જેમાં યુજીની એક સેમેસ્ટરની ફી રૂ.7 હજાર, પીજીમાં 10 હજાર, પીજી ડીપ્લોમાની 6 હજાર અને પીએચ.ડીમાં 15 હજાર ફી જાહેર કરી છે. આ ફી માળખાને જૂની ફી સાથે સરખાવવામાં આવે તો અંદાજે 270 ટકાનો વધારો કરાયો છે.

છાત્રાલયની ફીમાં પણ બેથી ત્રણ ગણો વધારો કરવાની ફિરાક

વર્ષ-2022-23 મુજબ છાત્રાલયની વાર્ષિક ફી રૂ.12,000 નક્કી કરવામાં આવી હતી. પરંતુ ભોજન બીલમાં વધારો થતાં બીજા સેમેસ્ટરમાં ફીમાં થોડો વધારો થતો હતો. પરંતુ બાદમાં વિદ્યાર્થીઓનું ભોજન બીલ ઓછુ આવે તો વધારાની ફી પરત કરવામાં આવતી હતી. પરંતુ નવા શૈક્ષણિક વર્ષમાં છાત્રાલયની ફીમાં પણ બેથી ત્રણ ગણો વધારો કરવાનુ નવા આવેલા સત્તાધીશો વિચારી રહ્યાં છે. જેને લઈ એવી ચર્ચા છે કે, છાત્રાલયના ફી વધારામાં એવો બચાવ કરાશે કે અમે સુવિધા વધારી છે અને છાત્રાલય ફરજિયાત નથી. પરંતુ હકિકતે ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં 80 ટકાથી વધુ વિદ્યાર્થી અંતરિયાળ વિસ્તારમાંથી અને ગરીબ-મધ્યમવર્ગમાંથી આવે છે. જેથી તેમના માટે છાત્રાલયમાં રહેવુ અનિવાર્ય કહો કે મજબુરી છે. માટે વિદ્યાપીઠ દ્વારા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને સુવિધાના નામે શોષણ કરવા તરફ નિર્ણયો લેવાઈ રહ્યાં હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles