- SP રિંગ પર ડ્રીમ વિવાન કન્સ્ટ્ર્ક્શન સાઇટ પરની ઘટના
- હુમલો કર્યા બાદ આરોપી ફરાર, બોડકદેવમાં ફરિયાદ
- લોખંડનો સળિયો મારીને હત્યા કરીને ત્યાંથી નાસી ગયો
એસપી રિંગ રોડ આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટમાં મજૂરી કરતા શ્રામિકો વચ્ચે ઘર વખરીનો સામાનને લઇને અંદરોઅંદર બોલાચાલી થઇ હતી. જેમાં એક શ્રામિકે અન્ય શ્રામિકને માથામાં લોખંડનો સળિયો મારીને હત્યા કરીને ત્યાંથી નાસી ગયો હતો.
મૂળ ઝારખંડ અને હાલમાં એસ.પી રિંગ રોડ પર ડેવીડ જોસેફ કંડોન્લા દોઢેક મહિનાથી તેના મિત્ર અનુપ જોગી અને નિર્મલ હેરેંજ સાથે એક ઓરડીમાં રહે છે. રિંગ રોડ પર ડ્રીમ વિવાન નામની સાઇટ પર કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરે છે. નિર્મલ અને અનુપ બન્ને ભેગા મળીને થોડા દિવસો પહેલા ઘર વખરીનો સામાન લાવ્યા હતા. ગઇકાલે સાંજે નિર્મલનો સાળો સોહાર બીગન મહલી અને તેની પત્ની બન્ને ત્યાં નિર્મલને ઓરડીએ મળવા આવ્યા હતા. જ્યાં સોહારે ઘરવખરીનો સામાન માંગ્યો હતો. જેથી નિર્મલે ઘરવખરીનો સામાન આપવા માટે અનુપને કહ્યું હતું. પરંતુ અનુપે ઘર વખરીનો સામાન આપવાની ના પાડી દીધી હતી. જેને લઇને નિર્મલ અને અનુપ વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં નિર્મલ ઓરડીમાંથી બહાર નિકળી ગયો હતો. રાતના સમયે ડેવીડ અને અનુપ બન્ને ઓરડીની બહાર સૂઇ ગયા હતા ત્યારે નિર્મલે લોખંડનો સળીયા વડે અનુપ પર હુમલો કર્યો હતો. જેને લઇને અનુપને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ જવામાં આવ્યો હતો. પરંતુ અનુપ હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ડેવીડે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.