- 108 દર્દીને લઈને વેસુથી સ્મિમેર હોસ્પિટલ જતી હતી
- દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ
- એમ્બ્યુલન્સની આગળ દોડી યુવકે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો
આજના સમયમાં બીજા માટે ભાગ્યે જ કોઈ કઈ કરતું જોવા મળે છે ત્યારે સુરતમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. સુરતમાં 108 એમ્બ્યુલન્સ દર્દીને લઈને જતી હતી ત્યારે ટ્રાફિકમાં ફસાઈ હતી. આ જોઈ ત્યાંથી બાઇક પર પસાર થઈ રહેલા યુવકે તરત જ કી પણ વિચાર કર્યા વગર એમ્બ્યુલન્સની આડે આવતા વાહનોને ક્લિયર કરવાનું શરૂ કર્યું હતું અને જ્યાં સુધી 108ને ખુલ્લો રસ્તો ન મળે ત્યાં સુધી 2 કિલોમીટર સુધી દોડ લગાવી હતી. સલામ છે આ યુવાનને જેણે કોઈપણ ઓળખાણ અને સ્વાર્થ વગર એમ્બ્યુલન્સમાં ફસાયેલા દર્દીની મદદ કરી હતી.
યુવક 108 આગળ દોડી ટ્રાફિક ખુલ્લો કરાવતો ગયો
સમગ્ર ઘટના પર નજર કરીએ તો વેસુથી સ્મિમેર હોસ્પિટલ જતી હતી એમ્બયુલન્સ સેન્ટર પોઈન્ટ નજીક ટ્રાફિકજામમાં ફસાઈ ગઈ હતી. દર્દીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવો જરૂરી હતો. 108નું સાયરન પણ વાગી રહ્યું હતું આમછતાં રસ્તો ક્લિયર થઈ રહ્યો ન હતો. આ બધુ ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઈક સવાર યુવાનના ધ્યાનમાં આવ્યું હતું અને બાઇક સવાર યુવાન મદદે આવ્યો હતો. યુવક સેન્ટર પોઇન્ટથી બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી એમ્બ્યુલન્સ આગળ દોડી ટ્રાફિક ખુલ્લો કરતો ગયો હતો. આ અંતર લગભગ દોઢથી 2 કિમી જેટલું થાય છે.
દર્દીનો જીવ બચાવવામાં મદદ રૂપ થયો
અજાણ્યો યુવક નડતરરૂપ વાહનોને દૂર હટાવતો ગયો અને આખરે રિંગરોડ-સહારા દરવાજા ઓવર બ્રીજ શરૂ થતા જ 108ની એમ્બ્યુલન્સને ખુલ્લો રસ્તો મળ્યો હતો. 108ના પાયલોટ મનોજ પટેલે માનવતા વાદી યુવાનને સેલ્યુટ કરી પોતાની ફરજ બજાવવા એમ્બ્યુલન્સને હોસ્પિટલ લઈ ગયા હતા. આ એમ્બ્યુલન્સમાં દર્દી મહેન્દ્ર દિલીપભાઈ બાગલે હોવાનું અને વેસુના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
નિસ્વાર્થ ભાવે એમ્બ્યુલન્સની મદદ કરી
એમ્બ્યુલન્સ માટે રસ્તો અપાવ્યા બાદ યુવક પણ પોતાના રસ્તે જતો રહ્યો હતો. 108માં રેકોર્ડ થયેલો આ વિડીયો હાલ સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે. એમ્બ્યુલન્સને મદદ કરનાર યુવકની ઓળખ હજુ સામે આવી નથી, પરંતુ જે લોકો પણ આ વિડીયો જોવે છે તે આ યુવકની માનવતાને સલામ કરી રહ્યા છે.