- કેનેડા બોર્ડર પર ઠંડીમાં ચાર ગુજરાતીના મોતનો મામલો
- પાંચ એજન્ટ કેનેડિયન પોલીસની રડારમાં, ત્રણ કેનેડામાં હોવાની શંકા
- પંજાબના બિટ્ટા સિંહ તેમજ રાજિન્દર પાલ સિંહ નામના એજન્ટોનો સમાવેશ થાય
અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં કેનેડા બોર્ડર પર ગત જાન્યુઆરી 2022માં ઠંડીમાં થીજી જવાથી ચાર ગુજરાતીઓના મોત થયા હતા. આ કેસની તપાસમાં કેનેડાની પોલીસ ગુજરાતમાં આવી હોવાનું સામે આવ્યુ છે. આ કેસની તપાસ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ કરી રહી છે. જેમાં પોલીસની એક ટીમ અમદાવાદ તેમજ રાજ્યના જુદા-જુદા શહેરોની મુલાકાત કરી હતી. અમદાવાદ, આણંદ અને વડોદરાથી ઓપરેટ કરતા પાંચ જેટલા એજન્ટ કેનેડા પોલીસની રડારમાં છે. ડિંગુચા કેસના ત્રણ આરોપી હાલ કેનેડામાં હોવાનું ગુજરાત પોલીસનું માનવું છે, અને તેમને અહીં લાવવા માટેના પ્રયાસ પણ ચાલુ છે. જેમાં સુરતના ફેનિલ પટેલ અને પંજાબના બિટ્ટા સિંહ તેમજ રાજિન્દર પાલ સિંહ નામના એજન્ટોનો સમાવેશ થાય છે.
કેનેડામાં ગેરકાયદે લોકોને ઘુસાડવાના કેસની તપાસ કેનેડા પોલીસ કરી રહી છે, જેમાં ગુજરાતમાંથી ફેક ડોક્યુમેન્ટ પર લોકોને કેનેડા મોકલવામાં આવે છે. જેમાં કેનેડિયન યુનિવર્સિટીના ફેક લેટર્સનો પણ સમાવશ થાય છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં કેનેડાની બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં બે ગુજરાતી ફેમિલીના કુલ આઠ સભ્યો માર્યા ગયા છે. તે જ રીતે એપ્રિલ 2023માં મહેસાણાના પ્રવીણ ચૌધરી, તેમના પત્ની દક્ષા ચૌધરી, દીકરી વિધિ અને દીકરો મિત અમેરિકા જવાના પ્રયાસમાં સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતાં મોતને ભેટયા હતા.