- ગત વર્ષની સરખામણીએ ઈજનેરીમાં આ વખતે 3 હજાર વિદ્યાર્થીનો વધારો
- 6 જૂનના રોજ ગુજકેટ અને ત્નઈઈ બંનેનું મેરીટ એક સાથે જાહેર થઈ શકે
- ગત વર્ષે 29 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ
ધોરણ.12 સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી અભ્યાસમમાં પ્રવેશ મેળવવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થતાં કુલ 32 હજાર જેટલા વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે 29 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ જેની સરખામણીએ આ વર્ષે 3 હજાર જેટલા વિદ્યાર્થીનો વધારો થયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થતાં હવે આગામી છઠ્ઠી જૂનના રોજ ફાઈનલ મેરીટ જાહેર થશે. દર વર્ષે ગુજકેટ અને જેઈઈનું મેરીટ જુદા જુદા દિવસોમાં જાહેર થતુ હતુ પરંતુ આ વખતે એક સાથે મેરીટ જાહેર થવાની શક્યતા છે. હાલમાં રજિસ્ટ્રેશન કરનારા તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો પણ 50 ટકા બેઠકો ખાલી પડશે તે નક્કી છે.
ડિગ્રી ઇજનેરીની 68 હજાર જેટલી બેઠકોમાં પ્રવેશ મેળવવા માટે ગત તા.2 મેથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ હતી જે 22મી મેના રોજ પૂર્ણ થવાની હતી. પરંતુ બાદમાં મૂદત લંબાવીને 30મી મે કરવામાં આવી હતી, જે આજે પૂર્ણ થઈ છે. જેમાં કુલ 32 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થતા હવે 6 જૂનના રોજ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે જેઇઇ મેઇન અને ગુજકેટના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ મેરિટલીસ્ટ જાહેર કરવામા આવતું હતુ. પરંતુ ચાલુ વર્ષે જેઇઇનું પરિણામ આવી ગયુ છે ત્યારે બન્નેનુ મેરિટલીસ્ટ એકસાથે જાહેર કરવામાં આવે તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મોક રાઉન્ડ માટે હવે વિદ્યાર્થીઓએ 6 જૂનથી 11મી જૂન સુધી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. જેના આધારે 14મી જૂનના રોજ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે. પહેલા રાઉન્ડ માટે 14મીથી 20મી જૂન વચ્ચે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.