- દર વર્ષે રૂ.1 હજાર કરોડની સાડીઓની થાય છે ખરીદી
- જૂન મહિનાના 2 અઠવાડિયાથી વેપાર-ધંધા થયા ઠપ
- વેપારીઓ 5થી 50 ટકા સુધીનું આપે છે ડિસ્કાઉન્ટ
દક્ષિણ ભારતના રાજયોમાં જૂનથી જુલાઇ મહીના સુધી આડી(સેલ)ની મોસમ તરીકે ઓળખાય છે. આ સીઝનમાં ત્યાં સાડીઓ ઓછી કિંમતે વેચવામાં આવે છે. દર વર્ષે સુરતથી 1 હજાર કરોડ રૂપિયાની સાડીઓની ખરીદી દક્ષિણ ભારતના વેપારીઓ કરે છે. પરંતુ ચાલુ વર્ષે વેપાર નબળો રહેતા 70 ટકા જ ડિમાન્ડ રહે તેવો ભય વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
જૂન મહિનાના 2 અઠવાડિયાથી વેપાર-ધંધા થયા ઠપ
કાપડ માર્કેટના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડૂ અને આસપાસના રાજ્યોમાંથી વેપારી જૂન મહિનામાં સુરત આવે છે. અને અહીંના કાપડ વેપારીઓ પાસે જે માલનો સ્ટોક રહ્યો હોય તેને ઓછી કિમતે ખરીદી જાય છે. અહીંના વેપારીઓ પણ સ્ટોક પડી રહે તેની કરતા ઓછા માર્જિન પર વેચવાનું પસંદ કરતા હોય છે. પરિસ્થિતિ પ્રમાણે સુરતના વેપારીઓ 5થી 50 ટકા સુધી ઓછી કિંમત પર સાડીઓ તેઓને વેચી દે છે. આ સાડીઓ ત્યાં શો-રુમ અથવા તો સેલ એક્ઝિબિશનમાં મુકવામાં આવે છે અને ત્યાં પણ ઓછી કિમતે રિટેલ ગ્રાહકોને વેચવામાં આવે છે. જુલાઇ મહીનાના અંતિમ દિવસો સુધી આ વેચાણ થાય છે. જોકે હાલ જૂન મહિનાના 2 અઠવાડિયા વીતી ગયા છે પરંતુ વેપાર જામ્યો નથી અને ત્યાંથી વેપારીઓની અવર- જવર પણ ઘટી ગઇ છે. ત્યાંના વેપારીઓ ઓર્ડર આપવાનું ટાળી રહ્યા છે.
રિટેલ માર્કેટમાં વેપાર ઓછો હોવાથી મંદી
દર વર્ષે અંદાજિત 1 હજાર કરોડ રૂપિયાના કાપડની ખરીદી ત્યાંના વેપારીઓ કરે છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા વેપારીઓને ૩૦ ટકા ઘટાડો થવાની આશંકા છે. સાડીના વેપારીઓ જણાવી રહ્યા છેકે, રિટેલ માર્કેટમાં ઘરાકી નથી. આડીની સીઝનમાં વેપારની પરિસ્થિતિ જોતા ચિંતા ઉપજે તેમ છે. વેપારની પરિસ્થિતિ જોતા ચાલુ વર્ષે ૩૦ ટકાનો ઘટાડો થાય તેવુ જણાઇ રહ્યુ છે. ત્યાંના વેપારીઓનું કહેવુ છે કે રિટેલ માર્કેટમાં વેપાર ઓછો હોવાથી મંદી સર્જાઇ છે.