- જૂનો ભાવ રૂ.74.29 હતો તે હવે વધીને રૂ.75.09 થયો
- ગુજરાત ગેસ પણ ટૂંક સમયમાં ભાવ વધારો કરે તેવી શક્યતા
- મોંઘવારીના મારથી પરેશાન લોકોને સીએનજી ગેસના ભાવનો વધારો પડતા ઉપર પાટુ મારશે
અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો તા.5-6ના રોજથી અમલમાં આવી ગયો છે. અદાણી સીએનજીનો જૂનો ભાવ રૂ.74.29 હતો તે હવે વધીને રૂ.75.09 થયો છે. અગાઉ આ કંપની રૂપિયામાં વધારો કરતી હતી પરંતુ પારેખ કમિટીની ભલામણનો અમલ થયા બાદ હવે પૈસામાં વધારો કરવા લાગી છે. જો આ રીતે છાશવારે પૈસામાં વધારો કરે તો વર્ષ દિવસમાં સહેજે બે પાંચ રૂપિયાનો વધારો ચુપકે ચુપકે થઈ જશે તેવો ડર લોકોને સતાવી રહ્યો છે.
હવે ગુજરાત ગેસ પણ ટૂંક સમયમાં ભાવ વધારો કરે તેવી શક્યતા વ્યક્ત થઈ છે. એટલે અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કરતા લોકોને દાઝયા ઉપર ડામ લાગશે. અગાઉ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો થતાં અદાણીએ સીએનજી ગેસના ભાવમાં રૂ.7 નો ઘટાડો કર્યો હતો. પરંતુ હવે ધીરે ધીરે ભાવવધારો કરવાનું શરુ કરી દીધું છે. જે ભાવ ઘટાડાની ભરપાઇ કરી દેશે.પેટ્રોલ ડિઝલના ભાવ વધતા લોકો સીએનજી સંચાલિત વાહનો તરફ વળ્યા હતા. પરંતુ સીએનજીના ભાવ પણ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોંઘવારીના મારથી પરેશાન લોકોને સીએનજી ગેસના ભાવનો વધારો પડતા ઉપર પાટુ મારશે.