- છ વર્ષમાં થોડા દિવસો કે મહિના ખૂટે તો પ્રવેશ નકારતા વર્ષ બગડે
- ત્રણ વર્ષ સુધી અમલ સામે રાહત આપી, હવે વાંધા સ્વીકારી ન શકાય : સરકાર
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવાયેલો છે
પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે બાળકની ઓછામાં ઓછી ઉંમર છ વર્ષની હોવી જરૂરી છે, તે સરકારી નિયમની કાયદેસરતાને પડકારતી અંદાજે 53 જેટલી અરજીઓ હાઈકોર્ટમાં થઈ છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજ્ય સરકાર આ મુદ્દે જવાબ રજૂ કરે. આ ઉપરાંત, હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે, એવી કોઈ સંભાવના છે ખરી કે પહેલા ધોરણમાં બાળકને પ્રવેશ આપવા માટેની કટ ઓફ્ ડેટમાં વધારો કરી શકાય ? જો આ પ્રકારન કોઈ સંભાવના હોય તો તે અંગે વિચારણા કરો. આ કેસની વધુ સુનાવણી આગામ સપ્તાહે હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદારના બાળકોને છ વર્ષ પૂર્ણ થવામાં થોડા દિવસો ખૂટે છે. જો તેમને પહેલા ધોરણમાં પ્રવેશ ન મળે તો તેમને ફ્રી વાર એક વર્ષ કેજીમાં રાખવા પડશે અથવા તો તેમનુ એક વર્ષ વેડફશે. સરકારના નવા નિયમમાં એવી જોગવાઈ કરાઈ છે કે, નવા શૈક્ષણિક વર્ષમાં જે બાળકની ઉંમર પહેલી જૂને છ વર્ષની હશે તેને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળવા પાત્ર છે.
જો કે, સરકાર ઈચ્છે તો આ રૂલ્સમાં એક્સટેન્શન આપી શકે છે. આ બાબતને અમલી કરાશે તો બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ મળી શકશે. રાજ્યમાં આ પ્રકારના અંદાજે 3 લાખ જેટલા બાળકો છે, જેઓ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવાથી આ વર્ષે વંચિત રહી શકે છે. આ નવા નિયમને લીધે, ચાલુ વર્ષે શાળાઓ દ્વારા બાળકોને ( જેમના છ વર્ષ પૂર્ણ થયા નથી તેમને) પહેલા ધોરણમાં પ્રવેશ આપવાની ના પાડવામાં આવે છે. બીજી તરફ્, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ દેશનાતમામ રાજ્યોમાં પહેલા ધોરણમાં બાળકને પ્રવેશ આપવા માટે છ વર્ષની વયમર્યાદા નક્કી કરાયેલી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવાયેલો છે, સરકારે વર્ષ 2012ના રૂલ્સમાં વર્ષ 2020માં સુધારો કરેલો. જેમાં, આ રૂલ્સના અમલવારી પર ત્રણ વર્ષ સુધી રાહત અપાયેલી. હવે 1-06-2023ના રોજથી તેમનો અમલ શરૂ કરાયેલો. આ સ્થિતિમાં હવે અરજદારોના વાંધા ટકી શકે નહીં. તેમના જે પણ વાંધા છે તેની ચકાસણી કરાશે.