- બોર્ડના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીની ગુણચકાસણીની અરજી
- ઉત્તરવહી અવલોકન માટે પણ રાજ્યમાંથી કુલ 6,011 અરજી આવી
- ઉત્તરવહી અવલોકનમાં વિદ્યાર્થીને ઉત્તરવહી જોવા મળતી હોય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.12મી મેના રોજ ધોરણ.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓની ગુણચકાસણી માટે કુલ 1,206 અરજીઓ આવી હતી. વિદ્યાર્થીઓની અરજીના આધારે બોર્ડ દ્વારા વિષય નિષ્ણાંત શિક્ષકો પાસે ગુણ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરાવી છે. આ સિવાય ઉત્તરવહી અવલોકન માટે પણ રાજ્યમાંથી કુલ 6,011 અરજી આવેલી છે, જેની કાર્યવાહી હવે પછી શરૂ કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલમાં ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા પરીક્ષાનું પરિણામ જાહેર કર્યાં બાદ વિદ્યાર્થીઓને ગુણચકાસણી માટે અરજી કરવાની તક આપવામાં આવે છે. જેમાં પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ ગુણચકાસણી માટે અરજી કરતાં હોય છે. હાલમાં ધોરણ.12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયુ છે જ્યારે ધોરણ.10 અને ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ હજુ જાહેર થયુ નથી. જેથી ધોરણ.12 સાયન્સમાં ગુણ ચકાસણી માટે રાજ્યમાંથી કુલ 1,206 અરજી અને ઉત્તરવહી અવલોકન માટે 6,011 અરજી આવી છે. જેમાં ગુણચકસાણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉત્તરવહી અવલોકનની કાર્યવાહી હાથ ધરાશે. ઉત્તરવહી અવલોકનમાં વિદ્યાર્થીને ઉત્તરવહી જોવા મળતી હોય છે.