- કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ : 52,317 બાળકનો મેરિટમાં સમાવેશ
- તળાજા અને માંડવીની બે વિદ્યાર્થિની118 ગુણ સાથે રાજ્યમાં પ્રથમ
- માત્ર બે પ્રશ્ન ખોટા પડયા
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનશક્તિ, મોડેલ સહિતની સ્કૂલોમાં પ્રવેશ માટે અને સ્કોલરશીપ યોજના માટે લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આજે શુક્રવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામના મેરીટમાં કુલ 52,317 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ ધોરણ.5ના 613 બાળકોએ 120માંથી 108 કરતા વધુ માર્કસ પ્રાપ્ત કર્યાં છે. ભાવનગર જિલ્લાના તળાજાની એક વિદ્યાર્થિની અને કચ્છના માંડવીની એક એમ આ બે વિદ્યાર્થિનીઓએ 120માંથી 118 માર્કસ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઝળકી છે. આ વિદ્યાર્થિનીઓના પરિણામમા માત્ર 2 જ પ્રશ્ન ખોટા પડયાં છે. 4.22 લાખ બાળકોમાંથી 87,846 બાળકોએ 120માંથી 60 કરતાં વધુ એટલે કે, 50 ટકાથી વધુ માર્કસ પ્રાપ્ત કર્યાં છે. સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે પ્રથમવાર સ્પર્ધાત્મક પ્રકારની પરીક્ષા આપવાનો અનુભવ થયો છે.
જ્ઞાનશક્તિ રેસીડેન્શ્યલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શ્યલ, રક્ષાશક્તિ સ્કૂલ તેમજ મોડેલ સ્કૂલમાં ધોરણ.6માં પ્રવેશ મેળવવા માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ.5માં અભ્યાસ કરતાં બાળકોની ગત 27મી એપ્રિલના રોજ 54 ઝોનની 2,594 બિલ્ડીંગના કુલ 24,244 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 4,22,325 બાળકો ઉપસ્થિત રહ્યાં હતા, જેનું આજે પરિણામ જાહેર કરાયું છે. પ્રથમ મેરીટ યાદીમાં કુલ 52,317 બાળકોનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં કુલ 15,297 સ્કૂલના બાળકોને આવરી લેવાયા છે. જેમાં 26,865 વિદ્યાર્થિનીઓ છે અને 25,452 વિદ્યાર્થી છે. ભાવનગરની એન.સી.ગાંધી સ્કૂલમાંથી સૌથી વધુ 66 બાળકો મેરીટમાં આવ્યાં છે. આ સિવાય પારડીની જે.એફ.સાર્વજનિક સ્કૂલમાંથી 63 બાળકોની પસંદગી થઈ છે. આ સિવાયની 8 સ્કૂલોમાંથી પણ 40થી વધુ બાળકો સફળ થયાં છે.