- 4 જૂનના રોજ યોજાનાર પ્રિલિમ્સ માટે 29મીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરાશે
- ગુજરાતી માધ્યમમા સૌથી વધુ 1,62,388 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
- રાજ્યમાંથી 1,65,646 ઉમેદવારો નોંધાયાં છે
રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે દ્વિસ્તરીય શિક્ષક અભિરુચી કસોટી (TAT-S)ની પ્રિલિમિનરી 4 જૂનના રોજ યોજાનાર છે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટેની હોલ ટિકિટ ઉમેદવારો 29મી મેથી ડાઉનલોડ કરી શકશે. પ્રિલિમિનરી માટે રાજ્યમાંથી 1,65,646 ઉમેદવારો નોંધાયાં છે. જેમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમમાં 1,62,388 ઉમેદવારએ ફોર્મ ભર્યાં છે. આ પહેલા વર્ષ-2019માં લેવાયેલી ટાટની સરખામણીએ પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યામાં અંદાજે 18 હજાર જેટલો વધારો થયો છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ 4 જૂનના રોજ યોજાનાર પ્રિલિમિનરી માટે સમગ્ર રાજ્યમાંથી 1,65,646 ઉમેદવારો નોંધાયા છે. જેમાં ગુજરાતી માધ્યમમાં 1,62,388, અંગ્રેજી માધ્યમમાં 2,292 અને હિન્દી માધ્યમમાં 966 ઉમેદવારો નોંધાયા છે. ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ ઉમેદવારો વિજ્ઞાન અને ટેક્નોલોજી/ ગણિતમાં 53 હજાર જેટલા નોંધાયા છે. જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય માટે 28 હજાર, ગુજરાતી વિષયમાં 27 હજાર જેટલા ઉમેદવારો નોંધાયા છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં સૌથી વધુ વિજ્ઞાન અને ટેક્નોલોજી/ગણિતમાં 1376 અને હિન્દી માધ્યમમાં પણ આ જ વિષયમાં 291 ઉમેદવારો નોંધાયા છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યની માધ્યમિક શાળા એટલે કે ધોરણ-9 અને 10ની સ્કૂલોમાં શિક્ષક તરીકે નિમણુંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરૂચિ કસોટી- માધ્યમિક (TAT-S) માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક બનવા માટેની પરીક્ષા બે તબક્કામાં લેવાનું નક્કી કર્યું હતું. જેમાં પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા અને ત્યારબાદ મેઈન્સ પરીક્ષાના આધારે શિક્ષક તરીકે નિમણુંક આપવાનું નક્કી થયું હતું. જેમાં 20મી મે સુધી ફોર્મ ભરવાની મૂદત આપી હતી. બાદમાં હાઈસ્કૂલના શિક્ષકની શૈક્ષણિક લાયકાતમાં ઈજનેરી અભ્યાસ બી.ઈ., બી.ટેક., બી.ફાર્મ.નો ઉમેરો કરાતાં ફોર્મ ભરવાની મૂદત 24મી સુધી લંબાવવામાં આવી હતી.