- મોજશોખ કરવા ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત
- 50 લાખમાંથી 36.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
- પોલીસે હંસપુરા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડયા છે
નવરંગપુરામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ.50 લાખ ભરેલી બેગ લૂંટીને ફરાર થયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓને પોલીસે હંસપુરા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડયા છે. આરોપીઓ લૂંટ કરેલા રૂ.35 લાખ રોકડા સહિત કુલ રૂ.36.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ મોજશોખ માટે લૂંટને અંજામ આપતા હતા. નવરંગપુરામાં ગત 28 એપ્રિલે આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી રૂ.50 લાખ લઈને બોડીલાઈન ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો, તે સમયે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીએ એક્ટિવાની આગળ મૂકેલ રૂ.50 લાખ ભરેલ બેગ ઝૂંટવી લઈને ફરાર થઈ ગયા હતા. આ કેસમાં હંસપુરા બસ સ્ટેન્ડ પાસેથી વિશાલ તનવાણી અને પ્રતિક પાનવેકરને ઝડપી પાડયા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે, ગત 28 એપ્રિલે બન્ને રાજકોટ ખાતે રહેતા પવન સિંધી સાથે સીજી રોડ ખાતે આવેલ ઈસ્કોન આર્કેટ ખાતે આવેલ આંગડિયા પેઢીઓની રેકી કરતા હતા. તે સમયે એક વ્યક્તિ એક્ટીવાના આગળના ભાગે રૂપિયાનો થેલો લઈને જતો હોવાથી તેનો પીછો કરીને થેલાની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે નવરંગપુરા બોડીલાઈન ચાર રસ્તાથી મહેમદાવાદ, બારેજડી, દહેગામ રોડ, હિંમતનગર રોડ, કરાઈ સહિતના વિવિધ જગ્યાના 150 કિલોમીટર સુધીના રૂટ પરના 1000 થી વધુ સીસીટીવી ફૂટેજ 25 દિવસ સુધી જોયા હતા. જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ ક્રાઈમ બ્રાંચને મળી આવ્યો અને ગુનાનું ડિટેક્શન થયુ હતુ. તેમજ વિશાલ નામનો આરોપી અગાઉ પણ કૃષ્ણનગર અને વાડજની લૂંટમાં સંડોવાયેલ હતો. આ કેસમાં પવન સિંઘી અને અન્ય એક આરોપી પોલીસ પકડથી દૂર છે.