- અગાઉ ઠગ માસ્ટર નીરવ સામે સુરત, વડોદરામાં પણ ફરિયાદો નોંધાયેલી છે
- ધરપકડ પર સ્ટેનો HCનો બોગસ ઓર્ડર બનાવી આરોપી પાસેથી પાંચ લાખ પડાવ્યા
- IPSના પુત્ર વિરૂદ્ધમાં લેખિતમાં ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથધરી
નિવૃત્ત આઇપીએસ બી.એસ.જેબલીયાનો પુત્ર નીરવ અમદાવાદમાં જાણીતા વકીલ સાથે પરિચય હોવાનું કહીને ડીસામાં નોંધાયેલા ડ્રગ્સ કેસના આરોપીની ધરપકડ નહીં કરવા માટેનો ગુજરાત હાઇકોર્ટનો બોગસ ઓર્ડર નીરવે અરજદારને આપ્યો હતો. બાદમાં ઓર્ડર માટે વકીલને 5 લાખ ફી આપવાનું કહીને અરજદાર પાસેથી રૂપિયા પડાવ્યા હતા. બાદમાં અરજદારને જાણ થઇ કે, હાઇકોર્ટે આવો કોઇ ઓર્ડર આપ્યો નથી. આ અંગે કુબેરનગરના યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં બનાવટી ડોક્યુમેન્ટ બનાવવા બદલ IPSના પુત્ર વિરૂદ્ધમાં લેખિતમાં ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથધરી છે.
કુબેરનગરમાં રહેતા દિનેશભાઇ ખુશાલ રાણા પરિવાર સાથે રહે છે. ડીસા ખાતે રહેતા તેમના મિત્ર રાજીવ મેવાડાનો ભાઇ મેહુલ થોડા સમય અગાઉ ડ્રગ્સનો કેસ થયો હતો. જેથી તે અમદાવાદમાં જાણીતા વકીલની મદદ જોઇતી હતી. જેથી દિનેશનો મિત્ર સારા વકીલની જરૂર છે તેવી ફોનથી વાત કરી રહ્યા હતા ત્યારે તેમની નજીકમાં ઉભેલ નિવૃત IPSનો પુત્ર નીરવ જેબલિયા સાંભળી ગયો હતો. જેથી નીરવે દિનેશભાઇ અને તેમના મિત્રને હાઇકોર્ટના જાણીતા વકીલની વ્યવસ્થા કરી આપવાનું કહ્યુ હતુ. બાદમાં નીરવે ગત, 15 એપ્રિલે એક વકીલની ઓફિસ બન્નેને મળવા બોલાવ્યા હતા. જ્યાં અજાણી વ્યકિત સાથે નીરવે બન્નેને પરિચય કરાવ્યો હતો. નીરવે બંન્નેને કહ્યુ કે, તે વકીલના ત્યાં કામ કરે છે બાદમાં વકીલાતનામા પર સહી કરાવીને એડવોક્ેટ સાથે વાત કરી દેશે અને વકીલની ફી પેટે 3 લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા. ગત તા. 22 એપ્રિલે ગુજરાત હાઇકોર્ટના ઓર્ડરની કોપી દિનેશભાઇના મિત્રને નીરવે મોકલી આપી હતી. જેમાં વર્ષ 2013 લખેલ હોવાથી મેહુલે તેમાં માર્કીંગ કરીને નીરવને મોકલ્યુ હતુ. જેથી નીરવે તેઓને કહ્યુ કે, વર્ષ લખવામાં સ્ટેનોની ભૂલથી થઇ છે. બાદમાં 17 મેના રોજ ફરીથી નીરવે જજના સહી સિક્કાવાળો ફાઇનલ ઓર્ડરની કોપી વોટ્એસપ પર મોકલી હતી. થોડા દિવસ બાદ ડીસા પોલીસ આરોપીને પકડવા માટે ગઇ ત્યારે મેહુલને નીરવે કહ્યુ કે, તે હાઇકોર્ટનો ઓર્ડર પોલીસને મોકલી આપશે જેથી તેઓ તને છોડી દેશે તેમ કહીને વધુ બે લાખ રૂપિયા માંગ્યા હતા.