- આગામી 9 અને 10 જૂન વરસાદની સંભાવના
- અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના
એક તરફ રાજ્યમાં વાવાઝોડાની શક્યતા જોવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહશે પરંતુ આગામી 9 અને 10 જૂન વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છેકે, અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના રહેલી છે. આ દરમિયાન સુરત,વલસાડ,નવસારી, તાપી,ડાંગમાં વરસાદની આગાહી છે. તો દરિયાકિનારાના ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની સંભાવના રહેલી છે.
આ સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની કોઈપણ શક્યતા જોવામાં આવી રહી નથી. તેમજ વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદની કોઈ પણ આગાહી વ્યક્ત કરવામાં આવી નથી.
વાવાઝોડાની અસર જોતાં 1 નંબરનું સિગ્નલ
જ્યારે બીજી તરફ ભારતીય હવામાન વિભાગે વાવાઝોડા અંગે જણાવ્યું કે, જે ડિપ્રેશન બન્યું છે તે ગુજરાતને અસર કરશે કે નહીં તે અંગે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જણાવાશે. પરંતું ડિપ્રેશન દક્ષિણ પોરબંદરથી 1160km દૂર છે. જેની અસરના ભાગરૂપે રાજ્યના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.