પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટથી હેલ્થકેર સિસ્ટમ પર ખરાબ અસર પડી છે. અહીં દર્દીઓને જરૂરી દવાઓ માટે મુશ્કેલી પડી રહી છે. જરૂરી મેડિકલ સાધનો પણ નથી અને સાધનોના અભાવે ડોક્ટરો સર્જરી કરી શકતા નથી. પાકિસ્તાનના લોકો રિબાઈ રિબાઈને જીવી રહ્યા છે.
દેશમાં વિદેશી મુદ્રા ભંડારના અભાવે સ્થાનિક ઉત્પાદનમાં વપરાતી આવશ્યક દવાઓ અથવા તેની સામગ્રી (API)ને આયાત કરવાની પાકિસ્તાનની આર્થિક ક્ષમતા રહી નથી. આના પરિણામે સ્થાનિક દવા ઉત્પાદકોને તેમનું ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી હતી. દવાઓ અને તબીબી સાધનોના અભાવે ડોક્ટરો પણ સર્જરી કરી શકતા નથી.
દવા ઉત્પાદકો પણ પરેશાન
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઓપરેશન થિયેટરમાં હાર્ટ, કેન્સર અને કિડની સહિત અને સંવેદનશીલ સર્જરી માટે જરૂરી એનેસ્થેટિક્સનો સ્ટોક હવે 2 અઠવાડિયા સુધી ચાલે તેટલો જ રહ્યો છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની હોસ્પિટલમાં નોકરીની સ્થિતિ પણ જોખમમાં મુકાઈ જશે. જેનાથી લોકોની તકલીફો વધી જશે. હેલ્થકેર દવા ઉત્પાદકોએ આવી કટોકટી માટે નાણાકીય પ્રણાલીને જવાબદાર ઠેરવી છે અને દાવો કર્યો છે કે વ્યાપારી બેંકો તેમની આયાત માટે નવા લેટર્સ ઓફ ક્રેડિટ (LC’s) બહાર પાડતી નથી.
સતત વધી રહ્યો છે ખર્ચ
પાકિસ્તાન દવાઓના ઉત્પાદનમાં આયાત પર ખૂબ જ નિર્ભર છે, લગભગ 95 ટકા દવાઓ માટે ભારત અને ચીન સહિતના અન્ય દેશોમાંથી કાચા માલની જરૂર પડે છે. મોટા ભાગના દવા ઉત્પાદકો માટે, બેંકિંગ સિસ્ટમમાં ડોલરની અછતને કારણે કરાચી બંદર પર આયાત કરવામાં આવતી સામગ્રી બંધ કરવામાં આવી છે. ડ્રગ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું કે ઈંધણના વધતા ખર્ચ અને પરિવહન ચાર્જ અને પાકિસ્તાની રૂપિયાના વધતા જતા અવમૂલ્યનને કારણે દવા બનાવવાની કિંમત સતત વધી રહી છે.
હાલની સ્થિતિથી આફત આવી શકે છે
તાજેતરમાં, પાકિસ્તાન મેડિકલ એસોસિયેશન (PMA)એ પરિસ્થિતિને આપત્તિમાં ફેરવતા અટકાવવા માટે સરકારના હસ્તક્ષેપની માગ કરી હતી. જોકે, તાત્કાલિક પગલાં લેવાને બદલે, અધિકારીઓ હજુ પણ અછતની માત્રાનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાનના પંજાબમાં ડ્રગ ડીલરોએ જણાવ્યું હતું કે સરકારી સર્વે ટીમે મહત્ત્વપૂર્ણ દવાઓની અછત શોધવા માટે વિસ્તારની મુલાકાત લીધી હતી. રિટેલરોએ ખુલાસો કર્યો કે કેટલીક સામાન્ય પરંતુ મહત્ત્વપૂર્ણ દવાઓની અછત મોટાભાગના ગ્રાહકોને અસર કરી રહી છે. આ દવાઓમાં પેનાડોલ, ઇન્સ્યુલિન, બ્રુફેન, ડિસ્પ્રિન, કેલ્પોલ, ટેગ્રલ, નિમેસુલાઇડ, હેપામર્ઝ, બુસ્કોપન અને રિવોટ્રિલ વગેરેનો સમાવેશ થાય છે.
સૌથી ખરાબ દવાનું સંકટ આવી શકે છે
ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ, જાન્યુઆરીની શરૂઆતમાં પાકિસ્તાન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (PPMA)ના સેન્ટ્રલ ચેરમેન સૈયદ ફારુક બુખારીએ જણાવ્યું હતું કે ‘હાલ 20-25 ટકા ફાર્માસ્યુટિકલ ઉત્પાદન સુસ્ત છે.’ તેણે વધુમાં જણાવ્યું હતું કે ‘અત્યારે હાલની પોલિસી આવનારા 4-5 અઠવાડિયા સુધી રહી, તો દેશમાં સૌથી ખરાબ દવાઓનું સંકટ ઊભું થઈ શકે છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.