- ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરાઈ
- એકેડમીમાં કાયદાના ભંગને હળવાશથી ન લેવા DGPનો આદેશ
- નીરંજન ચૌધરી નામના તાલીમાર્થી P.I પાસેથી પકડાયો દારુ
રાજ્યમાં પોલીસ અધિકારી બને તે પહેલા જ તાલીમી પીઆઈ આરોપી બન્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજ્યની કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ લેતા તાલીમાર્થી પીઆઈ પાસેથી દારૂ પકડાયો છે. તાલીમાર્થીઓને રહેવાના બેરેકમાંથી દારૂની બોટલ મળી આવી હતી. નોંધનીય છે કે તાલીમાર્થીઓને બેરેક સમયંતરે ચેક થતી હોય છે. આ અંગેની માહિતી રાજ્યના DGP વિકાસ સહાય સુધી પહોંચતા તેમને મામલો ગંભીરતાથી લેવાનો આદેશ આપ્યો છે.
એકેડમીમાં કાયદાનો ભંગ
આ અંગે માહિતી અનુસાર, રાજ્યમાં જ્યાં તમામ પોલીસ અધિકારીઓની તાલીમ આપવામાં આવે છે તેવી કરાઈ પોલીસ એકેડમીમા તપાસ દરમિયાન તાલીમાર્થી પીઆઈ પાસેથી દારુ પકડાયો હતો. જેના અંગે ત્યાર બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ઘટનામાં ધરપકડ થયેલો મૂળ બનાસકાંઠા જીલ્લાના તાલીમાર્થી પીઆઈ નિરંજન ચૌધરી નામના યુવકની ડભોડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલાને DGP વિકાસ સહાયે ગંભીરતાથી લીધો છે અને તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ પણ કરાઈ એકેડમી નકલી PSI ના પ્રવેશના કારણે વિવાદમાં આવી હતી. જેમાં મયુર તડવી નામનો યુવક ખોટા દસ્તાવેજ અને અરજીને એડિટિંગ કરીને કરાઈ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો. જેના પર પણ કડક પગલાં ભરી તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે પણ રાજ્ય ડીજીપી દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.