- 26 અને 27 મેના રોજ લિંબાયત નીલગીરી મેદાનમાં દિવ્ય દરબાર
- એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
- બાબા બાગેશ્વર ચાર્ટડ પ્લેનમાં સુરત એરપોર્ટ પહોંચ્યા
બાબા બાગેશ્વર સુરત ખાતે આવી પહોંચ્યા છે. જેમાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમજ 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયત નીલગીરી મેદાનમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. સુરત જિલ્લા સહિત અલગ અલગ જિલ્લા અને અન્ય રાજ્યમાંથી બે લાખથી વધુ લોકો દિવ્ય દરબારમાં આવશે.
26 અને 27 મેના રોજ લિંબાયત નીલગીરી મેદાનમાં દિવ્ય દરબાર
અમદાવાદથી બાબા બાગેશ્વર ચાર્ટડ પ્લેનમાં સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં માતા કિરણ પટેલ દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ સમયે ધારાસભ્ય સંગીતા પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સુરત એરપોર્ટ પરથી બહાર આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું આહ્વાન કર્યું હતુ. જે બાદ તેઓ અબરામા ખાતે જવા રવાના થયા હતા. અહીં ગુજરાતના પ્રખ્યાત બિલ્ડર લવજી બાદશાહના ગોપીન ફાર્મમાં ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રિ રોકાણ કરશે.
તાપી નદીના કિનારે આવેલા જે ગોપીન ફાર્મ હાઉસમાં રોકાણ
બાબા બાગેશ્વર તાપી નદીના કિનારે આવેલા જે ગોપીન ફાર્મ હાઉસમાં રોકાયા છે, તેનું ઈન્ટિરિયર ઈન્ટરનેશનલ લેવલનું છે. આ ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ, હોમ થિયેટર, મંદિર તેમજ સ્પા સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે, શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આગામી બે દિવસ સુધી બાબા બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ-શો યોજી દિવ્ય દરબાર યોજશે
બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ-શો યોજી દિવ્ય દરબાર યોજશે. જેને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિકની તકેદરી રુપે આયોજન કર્યું છે.બાગેશ્વર ધામના મહારાજના દિવ્ય દરબારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 400 પોલીસ કર્મી ખડેપગે ફરજ પર હાજર રહેશે. 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત JCP, DCP-2 , ACP-4 સહિત 400 પોલીસ જવાન, 700 હોમગાર્ડના જવાનો તૈનાત કરાશે. ટ્રાફિકની સમસ્યા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અલગથી ટ્રાફિક પોલીસ સહિત TRBના જવાનો તૈનાત કરવામાં આવશે.