- ફાયર, એસ્ટેટ, સહિત વિવિધ વિભાગોની તૈયારી અંગે AMC કમિશનરે સમીક્ષા કરી
- કંટ્રોલરૂમ મેનપાવર, સાધન-સામગ્રી, મશીનરી સાથે તંત્રને ખડે પગે રહેવા અધિકારીઓને ખાસ સૂચના
- મશીનરી સાથે તંત્રને ખડે પગે રહેવા અધિકારીઓને ખાસ સૂચના અપાઇ
અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું અતિ તીવ્ર અને ગંભીર બની રહ્યું છે અને અમદાવાદમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને પગલે સર્જાનારી પરિસ્થિતિને પહોંચી વળવા AMC દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. AMC કમિશનર એમ. થેન્નારસને બિપરજોય વાવાઝોડાને કારણે શહેરીજનોને રોજિંદા જીવનમાં મુશ્કેલી ન ઉભી થાય તે માટે કંટ્રોલરૂમ મેનપાવર, સાધન-સામગ્રી, મશીનરી સાથે તંત્રને ખડે પગે રહેવા અધિકારીઓને ખાસ સૂચના અપાઇ છે.
AMCના ઉચ્ચઅધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની શક્યતાને ધ્યાનમાં લઈને મ્યુનિ.ના વિવિધ વિભાગો દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરવા AMC કમિશનર એમ. થેન્નારસને તત્કાળ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મિટીંગ બોલાવી હતી. આ મીટિંગમાં ઇજનેર, એસ્ટટ, ગાર્ડન, ફયર અને ઇમર્જન્સી વિભાગ, આરોગ્ય, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા અન્ય સબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. 85 વૂડન કટર, 65 સ્લેબ કટર, 15 ઇમર્જન્સી ટેન્ડર, 10 બોટ તૈયાર ફયર એન્ડ ઇમર્જન્સી વિભાગ દ્વારા 85 વુડન કટર, 65 સ્લેબ કટર, 15 ઇમર્જન્સી ટેન્ડર, 10 બોટ તૈયાર રાખવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા પોલનું ચેકિંગ ચાલી રહ્યું છે. જેમાં 1,31,478 પોલનું ચેકિંગ પૂર્ણ થઇ ગયું છે. 988 વૃક્ષોનું ટ્રીમિંગ કરાયું છે. હોર્ડીન્ગ્સ સાઇટોના સ્ટ્રક્ચરની ચકાસણી કરાઇ છે. જેમાં ભયજનક સ્ટ્રકચરનું રિપેરીંગ અથવા નીચે ઉતારી દેવાની કામગીરી ચાલે છે.
સિવિલ, સોલા સિવિલ હોસ્પિટલ તંત્રને સાબદું કરાયું
સંભવિત વાવાઝોડાની સ્થિતિ વચ્ચે કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ તંત્રે સ્ટાફને એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. ભારે વરસાદની સ્થિતિ સર્જાય ત્યારે વીજળી ડૂલ સહિતની સ્થિતિને પહોંચી વળવા, હોસ્પિટલમાં ઈમરજન્સી કેસને પહોંચી વળવા ઉપરાંત જરૂર જણાય તો વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં એમ્બ્યુલન્સ મોકલવા સહિતની સ્થિતિને પહોંચી વળવાની પણ તૈયારી હોવાનું સૂત્રો કહે છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર તંત્રે સોમવારે બેઠક બોલાવી હતી, જેમાં અમદાવાદ જિલ્લામાંથી તબીબોની સાત જેટલી ટીમો રાજકોટ સહિતના જિલ્લામાં મોકલવા સૂચના આપવામાં આવી હતી. ડોક્ટરની સાથે અન્ય સ્ટાફને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવશે.