- વાવાઝોડાની અસર ગુજરાતમાં બે દિવસ પહેલા જ વર્તાશે
- 13 થી 16 જૂન સુધી રહેશે વાવાઝોડાની અસર રહેશે
- 14,15 અને 16 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી
બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં બે દિવસ પહેલા જ વર્તાશે. જેમાં 13થી 16 જૂન સુધી વાવાઝોડાની અસર રહેશે. તથા 15 જૂને કચ્છ, સૌરાષ્ટ્ર અને જખૌના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડુ ટકરાશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી
બિપોરજોય ખૂબ ઘાતક રીતે આગળ વધી રહ્યું છે. તથા 14, 15 અને 16 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત પવન સાથે વરસાદ રહેશે. બિપોરજોય વાવાઝોડુ 15મીએ સવારે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટકશે. હાલ વાવાઝોડાની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક છે. ત્યારે વાવાઝોડાને લઇ આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરાશે. ત્યારબાદ તેની સ્પીડ 125 થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે.
125થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે
આગામી દિવસોમાં 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના પગલે 14 અને 15 જૂને મુશળધાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. સૌથી વધુ કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.
બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું
વાવાઝોડાની ગંભીરતાને જોતા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે આવેલા બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે વાવાઝાડાને લઈને ચેતવણી આપીને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. 15મી જૂને આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.