- મંગળવારે બપોરે 1.09 વાગ્યાથી અગિયારસ, પણ સૂર્યોદય તિથિમાં બુધવારે ઊજવાશે
- મહાભારતમાં ભીમ સાથે સંકળાયેલી દંતકથા પ્રમાણે નિર્જળા ઉપવાસની પરંપરા
- ભીમ એકાદશીની બુધવારે જેઠ સુદ એકાદશીએ ઉજવણી થશે
હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતી ભીમ એકાદશીની બુધવારે જેઠ સુદ એકાદશીએ ઉજવણી થશે. દરમિયાન મહાભારત સાથે જોડાયેલી માન્યતા અને પરંપરાને આધારે શ્રાદ્ધાળુઓ આખો દિવસ નિર્જળા એટલે કે નક્કોરડા ઉપવાસ કરીને ભીમ એકાદશી ઉજવશે. મંગળવારે બપોરે 1.09 વાગ્યાથી અગિયારસની તિથિનો આરંભ થશે, પરંતુ સૂર્યોદય તિથિમાં બુધવારે ભીમ એકાદશીની ઉજવણી કરાશે.
હિન્દુ સમુદાયમાં નિર્જળા એકાદશી સૌથી મહત્ત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે. નિર્જળા એટલે કે પાણી વિના અને આ દિવસે ઘણા ભક્તો પાણીનું ટીપું પણ લીધા વિના ઉપવાસ કરે છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષે પંચાગ પ્રમાણે બુધવારે 31 મેના રોજ ભીમ એકાદશી ઉજવવામાં આવશે. એકાદશી તિથિ મંગળવારે બપોરે 1.09 વાગ્યાથી શરૂ થશે અને બુધવારે બપોરે 1.47 વાગ્યે સમાપન થશે. જેમાં સૂર્યોદય તિથિમાં બુધવારે 31 મેના રોજ ભીમ એકાદશી ઉજવાશે. બુધવારે સવારે 6 વાગ્યા સુધી હસ્ત નક્ષત્ર અને પછી ચિત્રા નક્ષત્ર રહેશે. બુધવારે જ ગાયત્રી જયંતી, રૂકમણી વિવાહ, સ્વામિનારાયણ અંતરધાન તિથિ જેવા ધાર્મિક પ્રસંગો, પર્વો ઉજવાશે. હિન્દુ માન્યતા અનુસાર નિર્જળા એકાદશીના દિવસે વ્રત રાખવાથી વર્ષમાં બધી એકાદશીના ઉપવાસનો લાભ મળે છે. જો તમે વર્ષમાં તમામ 24 એકાદશીનું વ્રત ન કરી શકો તો તમારે માત્ર એક જ નિર્જળા એકાદશી વ્રતનું પાલન કરવું જોઇએ.