- હાઈકોર્ટમાં થયેલી જાહેર હરાજીમાં રૂ.2.52 કરોડમાં પસ્તીનું વેચાણ થયુ
- વર્ષ-2016થી અત્યાર સુધીનો શિક્ષણ બોર્ડના સભ્યો દ્વારા હિસાબ માગવામાં આવ્યો
- બોર્ડ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહીઓ અને અન્ય પસ્તીઓના વેચાણનો મામલો હાઈકોર્ટમાં પહોચ્યો હતો. જે અન્વયે તાજેતરમાં હાઈકોર્ટમાં થયેલી હરાજીમાં પસ્તીની કુલ રકમ રૂ.2.52 કરોડ રૂપિયા જેટલો ભાવ પ્રાપ્ત થયો હતો. બીજી તરફ વર્ષ-2016માં રૂ.59.90 લાખમાં પસ્તીનું વેચાણ થયું હોવાનું બોર્ડ સભ્યો દ્વારા જણાવાઈ રહ્યું છે. જેને લઈ બોર્ડ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા બે કરોડથી વધુની પસ્તી રૂ.60થી 70 લાખમાં પધરાવવામાં આવે છે. જે મુદ્દે શિક્ષણ બોર્ડના બે સભ્યો દ્વારા બોર્ડ સમક્ષ વર્ષ-2016થી લઈને વર્ષ-2022 સુધીનો ઉત્તરવહી અને અન્ય પસ્તીના વેચાણનો હિસાબ માગવામાં આવ્યો છે.
શુક્રવારના રોજ શિક્ષણ બોર્ડની સામાન્ય સભા મળવાની હોવાથી બોર્ડ સભ્યો દ્વારા વિવિધ મુદ્દે તેમના પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં પ્રિયવદન કોરાટ અને ડૉ.નિદત બારોટ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવમાં જણાવ્યું છે કે, વર્ષ-2016માં બોર્ડ દ્વારા ઉત્તરવહીઓ અને અન્ય પસ્તી રૂ.59.90 લાખમાં વેચવામાં આવી હતી. બાદમાં મામલો હાઈકોર્ટમાં પહોચ્યો હતો. જેમા હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં હરાજી કરાતાં રૂ.2.52 કરોડ જેવી માતબર રકમ મળી હતી. જેનો તફાવત જોતા રૂ.1 કરોડ 92 લાખ 10 હજારનું શિક્ષણ બોર્ડને નુકશાન જાય છે. આ સંજોગોમાં વર્ષ-2016થી 2022 દરમિયાન દર વર્ષે ઉત્તરવહી અને પસ્તીનું કેટલા પ્રમાણમાં વેચાણ કરવામાં આવ્યુ અને તેની કેટલી રકમ બોર્ડને પ્રાપ્ત થઈ તે અંગેની સભ્યો દ્વારા વિગત માગવામાં આવી છે. આ અંગે બોર્ડના સચિવ એન.જી.વ્યાસને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે, દર વર્ષે ઉત્તરવહી અને પસ્તીના વેચાણ માટે જાહેરાત આપી ભાવ મંગાવવામાં આવે છે. જેના નિયત સમયે બીડ ખોલવામાં આવે છે અને તેમાં સૌથી ઊંચો ભાવ હોય તેને વેચાણ કરાય છે.