- ખાનગી બેન્કોની દાદાગીરી, બેન્કમાં ખાતું ખોલાવી ગમે તેટલી રકમ જમા કરો, નોટ નહીં બદલી આપીએ
- કાયમી ગ્રાહકોને સાચવવા માત્ર નોટ બદલવા આવનારને નોટ બદલી અપાતી નથી
- બેન્કોમાં વિચિત્ર સ્થિતિ પેદા થઈ છે
બે હજારની નોટ ચલણમાંથી પાછી ખેંચાયા પછી બેન્કોમાં વિચિત્ર સ્થિતિ પેદા થઈ છે. બેન્કો પાસે બે હજારની નોટના છૂટા ના હોવાના કારણે હાલમાં રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેન્કોએ કાયમી ગ્રાહકોને નોટ બદલી આપવાની હા અને માત્ર નોટ બદલવા આવનારને ના પાડવાની નીતિ અખત્યાર કરી છે. ખાનગી બેન્કોએ તો ખાતું ખોલાવે તેને જ નોટ જમા કરવા મળે તેવી દાદાગીરી શરૂ કરી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્કોને મર્યાદિત માત્રામાં નાની નોટ આપવામાં આવે છે. તેના કારણે બેન્કો રોજ જેટલી કેશ ઉપલબ્ધ હોય ત્યાં સુધી બે હજારની નોટ સામે છૂટા આપે છે. પરંતુ કેશ પૂરી થયા પછી ના પાડી દે છે. હવે તેમાં પણ નવી મુંઝવણ ઉભી થઈ છે. કાયમી ગ્રાહકો હોય તેને બે હજારની નોટ બદલવી હોય તો બેન્કો પાસે કેશ હોતી નથી. બીજી તરફ ખાતા વગર પણ બે હજારની નોટ બદલવાની છૂટ મળી હોવાના કારણે અજાણ્યા લોકો નોટ બદલીને છૂટા લઈ જાય છે. જ્યારે બેન્કના કાયમી ગ્રાહકોને છૂટા મળતા નથી.
આ સ્થિતિ નિવારવા માટે હાલમાં રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી તમામ બેન્કોએ કાયમી ગ્રાહકોને સાચવવા માંડયા છે. કાયમી ગ્રાહકો બે હજારની નોટ બદલવા આવે તો તેને પહેલી પ્રાથમિકતા આપવામાં આવે છે. તે સિવાયના લોકોને નોટ બદલાવવા માટે રાહ જોવડાવાય છે અથવા તો ના પાડી દેવામાં આવે છે. ખાનગી બેન્કો તો બે હજારની નોટ બદલાવાની ઘસીને ના પાડી દે છે. તેઓ નોટ બદલવા આવનારને ચોખ્ખું સંભળાવી દે છે કે અમારી બેન્કમાં ખાતું ખોલો પછી તમારે જેટલી બે હજારની નોટ ભરવી હોય તેટલી ભરજો. હાલમાં મોટાભાગની ખાનગી બેન્કો નોટ બદલાવવા આવનાર વ્યક્તિને ચોખ્ખી ના પાડી દે છે. આવી બેન્કો સામે કોઈ પગલાં પણ લેવાતા નથી.