- વડોદરામાં કાર ડીલરે બે હજારની નોટ લેવાની ના પાડી
- રાજકોટમાં પીએસઆઈએ ફરિયાદ કરતાં મેનેજરે માફી માગી
- બે હજારની ચલણી નોટ સ્વીકારવામાં આનાકાની કરી
બે હજારની ચલણી નોટ પરત ખેંચવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, વેપારીઓ-ધંધાર્થીઓ બે હજારની ચલણી નોટ સ્વીકારવામાં આનાકાની કરી રહ્યા છે, વડોદરામાં બે હજારની નોટ સ્વીકારવાની ના પાડનારા કાર સર્વિસ સ્ટેશન સામે કાર્યવાહી કરવા એક વકીલે પોલીસ કમિશનર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે જ્યારે રાજકોટમાં શૂઝના વેપારીએ બે હજારની નોટ ના લેતાં ગ્રાહક એવા પીએસઆઈએ પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી, એ પછી મેનેજરે માફી માગવા મામલો થાળે પડયો હતો.
વડોદરામાં કારની સર્વિસ કરવા બદલ રૂ. 2,000ની ચલણી નોટનો અસ્વિકાર કરીને કાર પાછી નહીં આપનાર છાણીની કાર ડિલરના કર્મચારી વિરુધ્ધ કાર્યવાહી કરવા માટે શહેરના વકીલે પોલીસ કમિશનર કચેરીમાં લેખિત રજુઆત કરી છે. વકીલે 27મી મે 2023ના રોજ કાર સર્વિસ માટે મુકી હતી. સર્વિસ સ્ટેશનના કર્મચારીએ રૂ.2,000ની ચલણી નોટ સ્વિકાર કરવાનો ઈનકાર કર્યો હતો.
રાજકોટમાં મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇએ લેખિતમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇન્દિરા સર્કલ પાસે અજંતા ફૂટવેર નામની દુકાનમાં જઈ બુટની ખરીદી કરી હતી, ત્યાં રૂપિયા 2000ની નોટ સ્વીકારવામાં નહિ આવે તેવું બોર્ડ લગાવ્યું હતું. મેનેજર અલ્પેશ પાદરિયાના કહેવાથી આ બોર્ડ લગાવ્યું હતું. કંટ્રોલમાં ફેન કરી લેખિત ફરિયાદ નોંધાતા મેનેજરે માફી માંગી હતી.