- વન સ્ટોપ સેન્ટર કેન્દ્રની મિશન શક્તિ-સંબલ યોજનામાં સામેલ
- ગુજરાતના જે જિલ્લામાં મહિલા અત્યાચારના કેસનું પ્રમાણ વધુ હશે
- રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે
ગુજરાતના જે જિલ્લામાં મહિલા અત્યાચારના કેસનું પ્રમાણ વધુ હશે ત્યાં જરૂરિયાત પ્રમાણે નવું વન સ્ટોપ સેન્ટર બનાવવા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે. અત્યારે જે સેન્ટરો ચાલી રહ્યા છે તે સેન્ટરોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા માટે પણ તાકીદ કરાઈ છે. ગુજરાત સરકારે પીડિત મહિલાઓ માટે વન સ્ટોપ સેન્ટર-સખીને રાજ્યભરમાં કેન્દ્ર સરકારની મિશન શક્તિ-સંબલ યોજના હેઠળ સમાવવાનો નિર્ણય કર્યો છે.
જાહેર કે ખાનગી સ્થળે મહિલાઓ પર હિંસા, અત્યાચારના કિસ્સા બનતાં હોય છે, જેમાં પીડિત મહિલા માટે વન સ્ટોપ સેન્ટર એક આશરો છે. મહિલા સામેના ગુનામાં ઊંચો દર તથા મોટો વિસ્તાર હોય તેવા જિલ્લામાં જરૂરિયાત મુજબ સેન્ટર બનાવવામાં આવશે, આ યોજનાનો સમય ગાળો માર્ચ 2026 સુધી રહેશે. વન સ્ટોપ સેન્ટરમાં તબીબી, પોલીસ સહાય, કાનૂની મદદ, કાઉન્સેલિંગ, આશ્રાય સહિતની મદદ પૂરી પાડવામાં આવતી હોય છે. આવા સેન્ટર 24 કલાક કાર્યરત રહે છે. જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં આવા સેન્ટરનું નવું બાંધકામ કરીને તેમાં સેન્ટર કાર્યરત કરાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ સંદર્ભે એક ઠરાવ જાહેર કરાયો છે. વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાઓની સંસ્થા માટે કામ કરનારા લોકોની પણ મદદ લેવામાં આવશે.