- યોજનાઓનો લાભ મળવાની રાહ જોઇ રહેલા ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ
- ત્રણ મહિના પહેલાં આવતા 700 કન્ટેનરની સંખ્યા ઘટીને 300 પર પહોંચી
- કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી રહી છે
કાપડ ઉદ્યોગમાં આધુનિક ટેક્નોલોજીનો વધુ ને વધુ વપરાશ થાય તે માટે સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવે છે. આ માટે વિવિધ સ્કીમ લાવીને કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા બે મહિનાથી કાપડ ઉદ્યોગકારોમાં ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે મૂવર્સ સ્કીમમાં પણ હવે આઇજીએસટી વસૂલવામાં આવતા વિદેશથી મંગાવવામાં આવતી મશીનરીના કન્ટેનરમાં 50 ટકાનો ઘટાડો થઇ ગયો છે. સુરતમાં કોરોના પહેલા અંદાજિત 4 કરોડ મીટર કાપડ પ્રતિદિન તૈયાર કરવામાં આવતું હતું. જોકે હાલ મંદીનો માહોલ હોવાથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સુરતના કાપડ ઉદ્યોગમાં મોટાભાગના ઉદ્યોગકારો લઘુ અને મધ્યમ શ્રોણીમાં આવે છે. સુરતના કાપડ ઉદ્યોગમાં નવીનીકરણ આવે અને કાપડની ક્વોલિટી સુધરે તેમજ એક્સપોર્ટ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરવામાં આવે છે, પરંતુ હાલ કેટલાક કારણોસર ઉદ્યોગકારોને યોજનાઓનો લાભ નહીં મળતા ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાઇ ગયા છે.