- 8મી જૂને દરિયામાં પવન બદલાશે, પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવના
- આજે સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે
- પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવામાં છે
આ વખતે શિયાળામાં પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તેના બદલે ઉનાળામાં આવી રહ્યાં છે. એપ્રિલ અને મેમાં પણ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવામાં છે. સામાન્ય રીતે ગંગા-જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. પરંતુ આ વખતે મે માસમાં પણ હવામાનમાં પલટા આવશે. અલબત્ત મે માસ મહદ્દઅંશે ગરમ રહેવો જોઈએ તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
ઋતુ પરિવર્તનની અસર હોય તેવું જણાઈ આવે છે. મે માસમાં તા.24થી દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. ભારે તોફાની વરસાદ, આંધી, વંટોળનું પ્રમાણ વધશે. અન્ય તા.25-26માં દેશના ઘણા ભાગોમાં આંધી, પવન, વંટોળ સાથે ભારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. ભારે વીજ પ્રપાતની પણ શક્યતા રહેશે.
કોઈ કોઈ ભાગોમાં તો વરસાદનું પ્રમાણ ત્રણ થી ચાર ઈંચ જેવું રહેવાની શક્યતા રહેશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, યુપી, બિહાર તેમજ આસામ સુધીના ભાગો સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની શક્યતા રહેશે. પવનની ગતિ 35 થી 45 કિલોમીટર સુધી કે તેથી વધુ પણ થઈ શકે. અરબ સાગરનો ભેજ પણ મળતા વરસાદ રાજસ્થાનના ભાગો ઉપરાંત ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં આંધી-ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પવનનું પ્રમાણ વધશે. તા.24-25થી હવામાનમાં પલટો આવશે અને તા.30 સુધીમાં ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો જેમાં બનાસકાંઠાના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, આણંદ, બોડેલી અને ભરૂચના કોઈ કોઈ ભાગો, સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં આંધી, વંટોળ સાથે વરસાદની શક્યતા રહેશે. તા.25 મેથી સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવે છે અને રોહિણી નક્ષત્ર ઘણા ભાગોમાં રેલે તેવી શક્યતા જણાય છે. આ ઉપરાંત તા.8મી જૂને પણ દરિયામાં પવન બદલાશે. ધીરે ધીરે પવનવાહી પ્રવાહનું જોર પણ વધશે અને તા.8-9 જૂનમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આંદામાન-નિકોબાર ટાપુમાં હજુ સારા ચોમાસાની ગતિવિધિ જણાતી નથી. તા.23-24-25માં આંદામાન નિકોબાર ટાપુમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે. લક્ષદ્વીપના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે.