- માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની પ્રિલિમ કસોટી લેવાઇ
- નરોડાની જીડી હાઈસ્કૂલના સ્ટ્રોંગ રૂમ પાસે ઘૂંટણ સુધી પાણી ભરાયાં
- પ્રશ્નપત્રો પલળી ન જાય તેની બીકે DEOની ટીમ તાબડતોબ પહોંચી
રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે રવિવારના રોજ શિક્ષક અભિરૂચિ કસોટી- માધ્યમિક (TAT-S) લેવામાં આવી હતી. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યના 1.65 લાખ ઉમેદવારો પૈકી 1.45 લાખ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. શિક્ષક બનવા માટે બે તબક્કામાં લેવાનારી કસોટી પૈકી પ્રિલીમ કસોટી રવિવારે યોજાઇ હતી. હવે 18 જૂનના રોજ મેઈન્સની પરીક્ષા લેવાશે.જો કે નરોડામાં પરીક્ષાના પ્રશ્નપત્રો જે સ્ટ્રોગરૂમમાં મુક્યા હતા તે શાળામાં ધૂંટણ સુધી પાણી ભરાઇ ગયા હતા.
અમદાવાદ શહેરમાં રવિવારે વહેલી સવારે પડેલો વરસાદના લીધે ટાટની પરીક્ષામાં કેટલીક જગ્યાએ મોડા પહોચેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન મળ્યાની ફરિયાદો ઉઠી હતી. જેમાં વસ્ત્રાલ ખાતે એક પરીક્ષા કેન્દ્રમાં મોડા પહોચેલા ઉમેદવારોને પ્રવેશ ન મળતા મામલો બિચકતા પોલીસને બોલાવવી પડી હતી. વરસાદના કારણે નરોડાની જી.ડી હાઇસ્કુલ કે જયાં તમામ પ્રશ્નપત્રોનો સંગ્રહ કરવા માટે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો હતો ત્યાં ઘૂંટણસમૂ પાણી ભરાઈ ગયું હતું. પરંતુ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી અને તેમની કચેરીની ટીમ વહેલી સવારે સ્ટ્રોંગરૂમ પર પહોંચી જતા સમય સૂચકતા જાળવી તમામ પ્રશ્નપત્રોને અધિકારીઓએ તેમના માથા ઉપર ઊંચકીને બહાર કાઢી દીધા હતા. એટલું જ નહીં 10 વાગ્યા સુધીમાં તમામ 24 રૂટ મારફ્તે પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડી દેવાતા મૂશ્કેલી ટળી હતી.