- સાબરમતી રિવરફરન્ટમાં ગેરકાયદે પાર્કિંગ, દબાણ કરનારા તત્ત્વોને દૂર કરવા સૂચના
- સામજિક તત્ત્વોને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી
- ગેરકાયદેસર રીતે પાર્કિંગ ઊભું કરી દેવામાં આવ્યું હોવા અંગે ફરિયાદ કરાઈ હતી
AMC દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા અને અમદાવાદની નવી ઓળખ સમાન સાબરમતી રિવરફરન્ટ પર ગેરકાયદે વાહન પાર્કિંગ કરાતા હોવાની, દબાણો થઈ ગયા હોવાની અને કબજો જમાવવામાં આવ્યો હોવાની સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદો કરવામાં આવી હતી. સાબરમતી રિવરફરન્ટ પર ગેરકાયદે પાર્કિંગ કરનારા, કબજો જમાવનારા અને દબાણો કરનારા તત્ત્વોને દૂર કરવાની AMC તંત્રને સૂચના આપવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફરન્ટ ના પૂર્વ પટ્ટા પર ખાનપુર કામાહોટલથી લઈ અને એલિસબ્રિજ વચ્ચેની જગ્યા પર કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે પાર્કિંગ ઊભું કરી દેવામાં આવ્યું હોવા અંગે ફરિયાદ કરાઈ હતી. AMC અને રિવરફરન્ટની માલિકીની જગ્યામાં આ રીતે પાર્કિંગ ઊભું કરી દેવામાં આવતા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ત્યાંથી આવા તત્ત્વોને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. સાબરમતી રિવરફરન્ટ પર જમાલપુર બ્રિજથી આંબેડકર બ્રિજ તરફ્ જતા સપ્તર્ષિના આરા પાસે પણ એક જગ્યા પર દિવાલ તોડીને રોડ બનાવી દેવામાં આવ્યો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. રિવરફરન્ટ પર અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે દીવાલો તોડી અને ત્યાં જગ્યા લોકોએ પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. સાબરમતી રિવરફરન્ટ પર પેન્થર સિક્યુરિટી નામની કંપની ને દર વર્ષે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે. કુલ 383 જેટલા સિક્યુરિટી ગાર્ડ સાબરમતી રિવરફરન્ટ ઉપર મૂકવામાં આવ્યા છે પરંતુ ક્યાંય પણ ત્યાં સુરક્ષા હોય તેવું લાગતું નથી. સિક્યુરિટી ગાર્ડ દ્વારા રિવરફરન્ટની યોગ્ય સુરક્ષા કે ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે આજે આવા કેટલાક તત્વો દ્વારારિવરફરન્ટ પર કબજો જમાવવી દેવામાં આવી રહ્યો છે.