- ક્વોલિટી કેસની લહાયમાં એજન્સીઓના અધિકારીઓ ખોટું કરતા થયા
- કાર માલિકે IPSને કહ્યાની જાણ થતાં PIએ CCTVનું DVR ઉઠાવી લીધું
- આ પીઆઇ સામે અગાઉ પણ ગંભીર આક્ષેપો થયા હતા.
વૈભવી કાર સામેલ હોય, મોટી માત્રામાં વિદેશી દારૂ હોય અને આ બંનેને સ્પષ્ટપણે દર્શાવતા સીસીટીવી ફૂટેજ હોય એટલે આવા કેસના PI માટે આખો કેસ સીધા સટ ડિટેક્શન અને મોટો મીર માર્યો હોવાનો બની જાય. હાલ પોલીસબેડામાં આવા કેસને ક્વોલિટી કેસ ગણાવાય જે સીધો જ ‘ઓપન એન્ડ શટ’ કેસ કહેવાય. આવો કેસ પોતાના નામે નોંધાવવાની લ્હાયમાં એક એજન્સીના પીઆઈ વૈભવી કાર ઝડપાઈ હોવાનું બતાવ્યું પણ આ કારના માલિક સામે જ FIR કરી શકે તેમ ન હોવાથી તેમને બાકાત રાખતાં આખા કેસમાં ભરાઈ ગયા. કારણ કે, ‘મારી કાર જો ખરેખર દારૂની હેરફેરમાં વપરાઈ હોય તો મને કેમ આરોપી નથી બનાવતા’ તેવી રજૂઆત સાથે કાર માલિકે ઉચ્ચ IPS અધિકારીનો સંપર્ક કરતાં પીઆઈ કફોડી સ્થિતિમાં મુકાયા હોવાનું ખૂલ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યની મહત્વની એજન્સીઓમાં ‘ક્વોલિટી’ કેસ કરવા માટે અંદરોઅંદર પોલીસ અધિકારીઓ વચ્ચે હરીફાઇ ચાલી રહી છે ત્યારે એક એજન્સીના પીઆઇએ વાહવાહી મેળવવા માટે સુરક્ષિત જગ્યાએ પાર્ક કરેલ કેટલીક ગાડીઓમાંથી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. પરંતુ ક્વોલિટી કેસ થઇ શકે તેમ ન હતો. જેથી પીઆઇ અને તેમની ટીમે બાજુમાં પડેલ વૈભવી કારમાં બીયરના ટીનનો જથ્થો બતાવીને તે કારને મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી. બાદમાં એજન્સીએ 3 શખ્સો સામે પ્રોહિબ્રેશન એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો. પરંતુ જપ્ત કરેલ વૈભવી કારના માલિક સામે ગુનો નોંધ્યો ન હતો. જેથી આ રેડમાં પીઆઇએ ક્વોલિટી કેસ કરવાની લ્હાયમાં ખોટુ કર્યાનું બહાર આવ્યુ હતુ. બીજી તરફ, વૈભવી કારના માલિકે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરીને એજન્સીની ઓફિસે જઇને હોબાળો મચાવ્યો હતો. જેથી પીઆઇ ફફડી જતા કારના માલિકને પોતાની ચેમ્બરમાં બોલાવીને બે કલાક મિટિંગ યોજીને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર માલિક માનવા તૈયાર ન થતાં અંતે કાર છોડાવવા માટે પીઆઇએ કારમાલિકને વકિલ કરી આપ્યો હતો. થોડા દિવસ બાદ કાર માલિક પાસે વકીલે ફી માંગતા તેણે કહ્યુ કે, તમારી ફી તો એજન્સીના પીઆઇ ચૂકવવાના છે. જેથી વકિલે પીઆઇને ફોન કરીને ફીની માંગણી કરતા તે અંતે ફરી ગયા હતા. આથી કાર માલિક સિનિયર આઇપીએસ પાસે સમગ્ર મામલો લઇને પહોંચ્યો હતો. જ્યાં કારમાલિકે રજૂઆત કરી કે, જ્યાંથી કારમાં દારૂ પકડવામાં આવ્યો છે ત્યાં CCTV કેમેરા છે તો તે તપાસો તો દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જશે. જેની ગંધ રેડ પાડનાર પીઆઇને આવતા તેઓ સીસીટીવી કેમેરાનું ડીવીઆર જ ઉઠાવી લાવ્યા હોવાનું પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યુ છે. મહત્વનું છે કે, આ પીઆઇ સામે અગાઉ પણ ગંભીર આક્ષેપો થયા હતા.