- બોગસ દસ્તાવેજોથી પાઈલટ અને તેની પત્નીએ પાસપોર્ટ કઢાવેલા
- પાઈલટ સામે LOC ઈશ્યુ થયેલી, પત્નીએ અગાઉ આગોતરા મેળવેલા છે
- કંપનીના કામથી તેણે અમેરિકા મોકલવામાં આવ્યો હતો
બે વર્ષ પહેલા બોગસ ડોક્યુમેન્ટથી પાસપોર્ટ કઢાવ્યાની ફરિયાદને પગલે શ્રીલંકાની એરલાઇન્સના પાઈલટને નવરંગપુરા પોલીસે ચેન્નાઇ એરપોર્ટથી ઝડપી પાડયો છે. આ કેસમાં અગાઉ પાઈલટની પત્નીએ આગોતરા જામીન મેળવ્યા હતા અને પાસપોર્ટ એજન્ટની પણ પોલીસે ધરપકડ કરી હતી.
સીજી રોડ પર આવેલ ઇસ્કોન કોમ્પ્લેક્ષમાં ઇલાઇટ વર્લ્ડ નામની વિઝા ઓફિસ ખાતે એજન્ટ પરિમલ મહેતા મારફતે પિનાકીન રોય અને તેની પત્ની શર્મિષ્ઠા રોયે પોતાના ખોટા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ચૂંટણી કાર્ડ, લાઇટબીલ બનાવીને પાસપોર્ટ ઓફિસમાં રજૂ કરીને પાસપોર્ટ કઢાવ્યો હતો. જેની જાણ પાસપોર્ટ ઓફિસરના સુપ્રિટેન્ડેન્ટ હિતેશ દવેને થતાં તેઓએ બે વર્ષ પહેલા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પિનાકીન રોય અને તેની પત્ની શર્મિષ્ઠા વિરૂદ્ધ ઠગાઇ તેમજ બોગસ ડોક્યુમેન્ટ બનાવવા બદલની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પરિમલ મહેતાની ધરપકડ કરી હતી. જ્યારે શર્મિષ્ઠા રોયે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. આરોપી પિનાકીનને પોલીસ પકડી શકી ન હતી. જેથી પોલીસે પિનાકીન વિરૂદ્ધ લુક આઉટ સર્કયુલરની નોટીસ ઇસ્યુ કરી હતી. પિનાકીનને શ્રીલંકાની એરલાઇન્સમાં નોકરી મળતા તે બે દિવસ પહેલા ચેન્નાઇ એરપોર્ટથી શ્રીલંકા જતો હતો ત્યારે એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે તેને પકડીને નવરંગપુરા પોલીસને સોંપ્યો હતો. પિનાકીન અલગ અલગ એરલાઇન્સમાં પાઈલટ તરીકે નોકરી કરી ચુક્યો છે. વર્ષ 2021માં તેણે એક કંપનીમાં બોન્ડ પર લેવામાં આવ્યો હતો. કંપનીના કામથી તેણે અમેરિકા મોકલવામાં આવ્યો હતો. જો કે, તેણે અન્ય કંપની સારો પગાર આપતી હોવાથી તે બોન્ડનો ઉલ્લંઘન કરીને ભારત પરત આવી ગયો હતો. બાદમાં તે ચાઇના ગયો હતો પરંતુ ત્યાં પાસપોર્ટમાં પ્રોબ્લેમ થતાં તે એરપોર્ટ પરથી તે પરત ફર્યો હતો.