- પબજી ગેમની મિત્રતાએ વિદ્યાર્થીઓને ઠગાઈના રવાડે ચડાવ્યા
- એક સગીર સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપ્યા
- સગીરને બાળસંરક્ષણગૃહમાં મોકલી આપ્યો
પબજી ગેમની મિત્રતાએ વિદ્યાર્થીઓને ઠગાઈના રવાડે ચઢાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ખરીદીની એપ્લિકેશન વોલેટને હેક કરીને ઓનલાઈન ખરીદી કરતા બે આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. તેમજ સગીર આરોપીને બાળસંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો છે. કોમ્પ્યુટર સાયન્સના આ વિદ્યાર્થીઓએ ટેક્નિકલ માસ્ટરીનો દૂર ઉપયોગ કરીને ઠગાઈ આચરતા વધુ લોકો ભોગ બને તે પહેલા જ પોલીસે ઝડપી પાડયા છે.
નવરંગપુરામાં રહેતા અમીબેન શાહ ઓનલાઇન શોપિંગની એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. તેઓએ તે એપ્લીકેશનના વોલેટમાં તપાસ કરતા 3388 રૂપિયાની ખરીદી થઇ હતી. જેની માહિતી કસ્ટમર કેરમાંથી મંગાવતા કોઇ શખ્સોએ ખરીદી કરી હોવાનું તેઓને જાણવા મળ્યું હતું. જેથી તેઓએ આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ટેક્નિકલ એનાલિસીસ અને ઓનલાઈન પાર્સલની માહિતી મેળવીને ગૌરાંગ પટેલ અને નિલ હરસોલા તેમજ એક સગીરની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં તેઓ કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર વિધાર્થીઓ છે અને તેમને ઓનલાઈન ખરીદી માટેના વોલેટને હેક કરીને ખરીદી કરી અને છેતરપીંડી આચરી હતી. પકડાયેલ વિદ્યાર્થીઓમાં ગૌરાંગ પટેલ વડોદરાનો છે અને પારુલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે નિલ હરસોલા અમદાવાદની એલ જે કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરે છે. જ્યારે અન્ય સગીર વિદ્યાર્થી રાજકોટની કોલેજમાં અભ્યાસ કરે છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ પબ્જી ગેમમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને મિત્ર બન્યા હતા. આ વિદ્યાર્થીઓ ટેલિગ્રામ પર ફ્રી કોમ્બો મેઈલ ઍક્સેસ વેબસાઇટ પર લોકોના ડેટા મેળવીને ઓનલાઈન ખરીદીની વેબસાઈટ પર બગ (એરર) દ્વારા ગ્રાહકની જાણ બહાર મોબાઈલ તથા ઇમેઇલ આઇડી ચેન્જ કરીને વોલેટ હેક કરીને ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ કરતા હતા. જેમાં હેક કરેલા એક વોલેટમાંથી ગૌરાંગે ઓનલાઈન ખરીદી કરીને અમદાવાદમાં નિલ ના એડ્રેસ પર પાર્સલ ડિલિવરી કરાવ્યુ હતું. નિલ આ વસ્તુઓ વેચીને 20 ટકા કમિશન મેળવીને રાજકોટના સગીરને પૈસા આપતો હતો આ સગીર પણ 20 ટકા કમિશન લઈને 60 ટકા રૂપિયા ગૌરાંગને મોકલતો હતો.સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું કે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ની ફી ભરવા અને મોજશોખ માટે પૈસાની જરૂર હોવાથી ઠગાઇ કરી હતી.. જેમાં ગૌરાંગએ અગાઉ આવી વેબસાઈટ પર ઇમેઇલ દ્વારા બે વખત બગ (એરર)ની જાણ કરી હતી. પરંતુ કંપની દ્વારા સુરક્ષા નહિ વધારતા આ યુવકોએ ઠગાઈ કરી અને દોઢ મહિનામાં 20 જેટલી ઓનલાઈન ખરીદી કરીને ઠગાઈ આચરી છે. ત્યારે હાલમાં આ વિદ્યાર્થીઓની પૂછપરછ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.