- એનએમસીની સૂચના બાદ હાજરી સંદર્ભે નિર્ણય લેવાયો
- ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટને યોગ્ય કાર્યવાહી કરવા પરિપત્ર મોકલાયો
- સિવિલ હોસ્પિટલ તંત્રે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારતો પરિપત્ર કર્યો
સિવિલ કેમ્પસની બી.જે. મેડિકલ કોલેજે તમામ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને ફરજિયાત બાયોમેટ્રિક હાજરી માટે આદેશ કર્યો છે, સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો જો બાયોમેટ્રિક હાજરી નહિ પૂરે તો સ્ટાઈપેન્ડ કાપી લેવામાં આવશે. બી.જે. મેડિકલ કોલેજના તબીબી અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન નિયામકે આ સંદર્ભે પરિપત્ર કર્યો છે.
એનએમસી દ્વારા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોની હાજરીને લઈને સૂચના આપવામાં આવી હતી, જેને ધ્યાને લઈ બી.જે. મેડિકલ કોલેજે ફરજિયાત બાયોમેટ્રિક હાજરી પૂરવા માટે સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને આદેશ કર્યો છે, જો હાજરી પૂરવામાં ચૂક થશે તો સ્ટાઈપેન્ડ કપાત કરવાની રહેશે, જેની જવાબદારી સિનિયર રેસિ. ડોક્ટરોની રહેશે તેવી પણ સ્પષ્ટતા પરિપત્રમાં કરવામાં આવી છે. બી. જે. મેડિકલ કોલેજના તમામ વિભાગના વડા અને સિવિલ હોસ્પિટલ તંત્રને યોગ્ય કાર્યવાહી માટે આ પરિપત્ર મોકલાયો છે, આ ઉપરાંત એમ એન્ડ જે ઈન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થલમોલોજીના નિયમાક, ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટને યોગ્ય કાર્યવાહી કરવા પરિપત્ર મોકલાયો છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં અન્ય તબીબો માટે પણ બાયોમેટ્રિક હાજરી પૂરવા તાકીદ કરવામાં આવી હતી, જોકે કેટલાક કિસ્સામાં તબીબો આ સૂચનાનું પાલન કરતાં ન હોવાની બુમરાણ છે. કેટલાક તબીબી શિક્ષકો પોતાની ખાનગી હોસ્પિટલ કે દવાખાનામાં જુનિયર ડોક્ટરોને કામ કરવાની ફરજ પાડી રહ્યા છે, આ બાબતે પણ તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલ તંત્રે કાર્યવાહીની ચીમકી ઉચ્ચારતો પરિપત્ર કર્યો હતો.