- મેયર હેમાલી બોઘાવાલાએ પાલ વિસ્તારની લીધી મુલાકાત
- DCP કક્ષાના પોલીસ અધિકારીઓ પણ રહ્યાં સાથે
- બેફામ વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી થશે
હાલ રાજ્યમાં શહેરોના જાહેર રસ્તા અને વિવિધ સ્થાનો પર અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે સુરત શહેરના પાલ આરટીઓ રોડ અને ગૌરવ પથ વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં ગમખ્વાર અકસ્માતના બનાવો સામે આવ્યા બાદ આજ રોજ મેયર હેમાલીબેન બોઘાવાલાએ ટ્રાફિક ડીસીપી તેમજ મનપાના અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ કરી હતી.
બેફામ વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી થશે
સુરત શહેરમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહ્યા છે. શહેરોમાં અકસ્માતના બનાવો રોકવા જરૂરી પગલા લેવા માટે સુચના આપી હતી. આજે મેયર હેમાલીબેન બોઘાવાલાએ આ સ્થળોની વિઝીટ કરી હતી. આ દરમ્યાન ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી, મનપાના અધિકારીઓ, ટ્રાફિક-બીઆરટીએસ સેલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મેયરે અકસ્માત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ સ્થાનિક રહીશો સાથે સ્થળ ઉપર રૂબરૂ ચર્ચા કરી હતી. આ ઉપરાંત સીસીટીવી કેમેરાથી સઘન મોનીટરીંગ કરવા, ભારે વાહનોની અવર જવરનો સમય નિર્ધારિત કરી તેમની ગતી મર્યાદાને અંકુશમાં મુકવા, જરૂરી અંતરે સ્પીડ બ્રેકરો મુકવા બાબતે જરૂરી સૂચનો આપ્યા હતા.
મેયર હેમાલી બોઘાવાલાએ પાલ વિસ્તારની લીધી મુલાકાત
આ ઉપરાંત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા તત્કાલ અહીં યોગ્ય ટ્રાફિક નિયમન કરવા જરૂરી નિર્દેશો આપ્યા હતા. મેયર હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘણા અકસ્માતો થયા છે. જેના અંગે સ્થાનિક કોર્પોરેટરોની વારંવાર રજૂઆતના કારણે આજે સ્થાનિક કોર્પોરેટર, ટ્રાફિક ડીસીપી તેમજ મનપાના અધિકારીઓ સાથે સ્થળ વિઝીટ કરી હતી. અને ત્યાં અકસ્માતના બનાવો રોકવા સ્પીડ બ્રેકર બનાવવા, સ્પીડ લીમીટના બોર્ડ લગાવવા તેમજ અકસ્માતના બનાવો રોકવા જે પણ પગલા ભરવાની જરૂર છે તેના અંગે વિચારણા કરી છે.