- નાઈટ શિફ્ટથી આવેલા પિતા સુઈ ગયેલા, માતા ઘરકામમાં વ્યસ્ત હતી
- તબીબી સારવાર કારગત નિવડે તે પહેલા માસૂમ રીશીનું પ્રાણપંખેરુ ઊડી ગયા
- મોઢામાં આંગળી નાંખી બી કાઢવા પ્રયાસ કર્યો
માતાની નજર સામે હાથમાં ચીકુ લઈને રમી રહેલો દોઢ વર્ષીય બાળક ઠળિયો ગળી જતા ગણતરીની મિનિટોમાં મોતને ભેટયો હોવાનો ચોંકાવનારો બનાવ બુધવારે બપોરે સુરત શહેરના ઉધના વિસ્તારમાં બન્યો હતો. મૂળ ઓરિસ્સાનો વતની સંતોષ નાયક પરિવાર સાથે ઉધના સ્થિત કૈલાસનગરમાં રહે છે. કારખાનામાં નોકરી કરતો સંતોષ નાઈટ પાળી કરીને ઘરમાં સૂતેલો હતો. જ્યારે તેની પત્ની સુજાતાબેન ઘરમાં કામ કરી રહી હતી. બીજી બાજુ નજીકમાં બેસેલો તેમનો દોઢ વર્ષીય પુત્ર રિશી હાથમાં ચીકુ લઈ રમી રહ્યો હતો. દરમિયાન રીષીએ હાથમાં ચીકુનો ટૂકડો છૂંદી નાંખી મોઢામાં નાંખ્યો હતો. જેમાં ચીકુનું બી તેના ગળામાં ફસાતા તેનો શ્વાસ રૂંધાવા સાથે આંખો ઉપર જતી જોઈ સુજાતાબેન તેની પાસે દોડી આવી હતી અને મોઢામાં આંગળી નાંખી બી કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ રીષીની પીડા વધતી જોઈ તેણીએ રડારોળ કરતા પતિ સંતોષ નાયક જાગી જતા રીષીને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક ક્લિનિકમાં ખસેડયો હતો. જોકે, ક્લિનિકના ડોક્ટરે રીષીની ગંભીર હાલત જોઈ તેને સારવાર માટે સિવિલ લઈ જવા કહ્યું હતું. ત્યારબાદ બાળકને સિવિલ ખસેડાવામાં આવ્યો હતો.પરંતુ તબીબી સારવાર કારગત નિવડે તે પહેલા માસૂમ રીશીનું પ્રાણપંખેરુ ઊડી ગયા હતું.