- રત્નકલાકારે મકાનના ધાબે લઇ જઇને બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું
- પિતાને 20 વર્ષની કેદની સજા અને રૂ. 25,000નો દંડ ફટકાર્યો
- દંડની રકમ નહીં ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો
શહેરના એક વિસ્તારની વસાહતમાં રહેતા પરિવારની સાત વર્ષની સગી પુત્રીને મકાનના ધાબા ઉપર લઇ જઇ પિતાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવને જનેતાએ સગી આંખે જોયો હતો. તેમજ પુત્રીએ જનેતા સમક્ષ પિતાએ આચરેલા કુકર્મ અંગે વાત કરી હતી. જેથી ગુસ્સે ભરાયેલી જનેતાએ પતિને ઠપકો આપતા શરમનજક હાલતમાં મુકાયો હતો. દુષ્કર્મી પિતાએ પત્ની સમક્ષ માફી માંગી હતી છતાં નિડર બનીને જનેતાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં ફાસ્ટ ટ્રેક સ્પે. કોર્ટે ચુકાદો જાહેર કરીને નરાધમ પિતાને 20 વર્ષની કેદની સજા અને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો.
ઉત્તર પ્રદેશના આઝમગઢ પંથકના ગામડાના વતની અને હાલ વસાહતમાં રહેતો યુવાન હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને માતાપિતા, પત્ની અને સાત વર્ષની પુત્રી સાથે વસવાટ કરી રહ્યો હતો. દરમિયાન ગત તા. 27 સપ્ટેમ્બર 2020ના રોજ સાંજના સમયે પતિ મકાનના ધાબા ઉપર હતો એ સમયે પતિના મોબાઇલ ફોન ઉપર કોલ આવતા માતાએ પુત્રીને મોબાઇલ ફોન લઇને પિતાને આપવા મોકલી હતી, પરંતુ વીસ મિનિટ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં પુત્રી પરત નીચે નહીં આવતાં માતા ધાબા ઉપર દોડી ગઇ હતી, જ્યાં તેનો પતિ નિર્વસ્ત્ર હાલતમાં પુત્રીને જમીન ઉપર સુવડાવીને કુકર્મ આચરી રહ્યો હતો. જેથી પત્નીએ તેને ધક્કો મારી દૂર કર્યો હતો. પત્નીએ પછી વતનમાં રહેતા પોતાના પિયર પક્ષના સભ્યોને વાત કરતાં પોલીસ કેસ કરવા જણાવ્યું હતું. પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરીને પોક્સો કલમ મુજબ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. કોર્ટે નરાધમને 20 વર્ષની કેદ અને રૂ. 25000નો દંડ ફટકાર્યો હતો. અન્યથા દંડની રકમ નહીં ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.