- ધમકાવી રૂપિયા 50 લાખનો તોડ કરી લેવાયો
- ઘટનાના છ મહિના બાદ ફોન આવ્યો હતો
- વધુ રૂ.20 લાખની ખંડણીને લઇ ધમકી આપી
સુરત શહેરના રિંગ રોડ ઉપર લેડિઝ સલવાર સૂટનો ધંધો કરતાં વેસુનાં વેપારીને લલનાની લાલચ ભારે પડી હતી. દલાલના કહેવાથી નાનપુરા સ્થિત એક ફ્લેટમાં ગયેલાં આ વેપારીને પોલીસનાં સ્વાંગમાં ધમકાવી રૂપિયા 50 લાખનો તોડ કરી લેવાયો હતો.
વધુ 20 લાખની ખંડણીને લઇ ધમકી આપવામાં આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
છ મહિનામાં જંગી રકમ પડાવી લીધા બાદ પણ વધુ 20 લાખની ખંડણીને લઇ ધમકી આપવામાં આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હનીટ્રેપ કરી તોડ કરતી કુખ્યાત ગેંગનાં બેને પોલીસે ઝડપી લીધા હતા. વેસુ વિસ્તારમાં રહેતાં અને રિંગરોડ ઉપર સહરા દરવાજા પાસે લેડિઝ સલવાર સુટની દુકાન ધરાવતાં 48 વર્ષીય અમરભાઇ છ મહિના પહેલાં લાલુ શિવરાજ નામના લલનાઓના એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. નવેમ્બર મહિનામાં તેને આ લાલુએ વોટ્સએપ ઉપર એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને નવી છોકરી છે તેમ કહી નાનપુરા સંતોક એપાર્ટમેન્ટના ત્રીજા માળનું સરનામું આપી વોટ્સએપથી લોકેશન પણ મોકલ્યું હતું. આ વેપારી અહીં પહોંચ્યો અને એક રૂમમાં આ 21 વર્ષીય યુવતી પાસે બેઠો હતો તે સાથે જ દરવાજો ખોલીને ત્રણેક શખ્સો ધસી આવ્યા હતા. અહીં સેક્સ રેકેટ ચાલતું હોવાનું અને પોલીસ કેસ કરી દેવાની ધમકી આપી આ ટોળકીએ 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
ઘટનાના છ મહિના બાદ ફોન આવ્યો હતો
જોકે મામલો અહીંથી પત્યો ન હતો. આ ઘટનાના છ મહિના બાદ ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ અઠવા લાઇન્સ પોલીસ મથકના કોન્સ્ટેબલ અભેસિંહ પરમાર તરીકે આપી હતી. અને છ મહિનાના જૂના પ્રકરણમાં સહી લેવાની બાકી હોવાનું જણાવી કાર લઇને આ વેપારીના એપાર્ટમેન્ટ બહાર આવીને ઉભા રહ્યા હતા. કારમાં બેસેલી ત્રણેક વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિઓ પોતાનું નામ મકવાણા સાહેબ તરીકે આપી ધમકાવ્યો હતો. યુવતી અને તેના પિતા કેસ કરવાનું કહે છે તેમ કહી બીજા 40 લાખ પડાવી લીધા હતા. વધુ 20 લાખની માંગણી કરવામાં આવતાં હતાશ વેપારીએ મિત્રોની મદદ લીધી હતી અને અઠવા લાઇન્સ પોલીસ મયકે ફરિયાદ નોંધાવી હતી. ગુનામાં બે આરોપી પિયુષ ઉમેશ વોરા અને નિકુલ સોલંકીને ઝડપી લીધા હતા. બનેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ ટોળકી 20202માં પુણા પોલીસ મથકમાં હનીટ્રેપ ગોઠવી લૂંટ કરવાના ગુનામાં ઝડપાઇ ચુકી હોવાનું પોલીસ સૂત્રોએ ઉમેર્યુ હતું.