- ધડાકાભેર અવાજ થતાં વાનમાંથી દર્દીના સગાને ઉતારી લેવાયા હતા
- ઓક્સિજનનું કાચનું હ્યુમિડીફાયર તૂટયું, બાટલો નથી ફાટયો : હોસ્પિટલ તંત્ર
- ઓક્સિજનનો બાટલો ફાટયા બાદ ગણતરીની મિનિટોમાં દર્દીનું મોત થયું હતું
સિવિલ કેમ્પસની સ્પાઈન ઈન્સ્ટિટયૂટના કેમ્પસમાં 23મી મે ના મંગળવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં એમ્બ્યુલન્સ વાનમાં ઓક્સિજનનો બાટલો ફાટયા બાદ ગણતરીની મિનિટોમાં દર્દીનું મોત થયું હતું. ભરત ચૌધરી નામના પાટણના યુવાનની મણકાની સર્જરી થઈ હતી, એ પછી સિવિલમાં આઈસીયુમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે એમ્બ્યુલન્સ વાનમાં ધડાકા જેવો અવાજ સંભળાયો હતો, એ પછી યુવાનને ફરી સ્પાઈનના ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો હતો, જ્યાં 15 મિનિટ જેટલા અરસા પછી મોત થયું હતું. મૃતક યુવાનના પરિવારજને આ કેફિયત વર્ણવી હતી, તેમના કહેવા પ્રમાણે આ ઘટના બની એ પછી કદાચ હૃદય બેસી જવાના કારણે પણ મોત થયું હોઈ શકે. બીજી તરફ હોસ્પિટલ તંત્ર ઓક્સિજનનો બાટલો ફાટયો હોવાનું ઈન્કાર કરે છે અને કહે છે કે, પ્રેશર વધતાં ઓક્સિજનનું હ્યુમિડી ફાયર તૂટયું હતું, બાટલો ફાટવાના કારણે મોત થયું નથી. કાચની બોટલ તૂટે એમાં દર્દીના જીવને કોઈ અસર ન થાય.
મૃતક યુવકના સગાએ જણાવ્યું હતું કે, 32 વર્ષીય ભરતભાઈને અકસ્માત થતાં ઈજા થઈ હતી, મણકાના ઓપરેશન માટે સિવિલની સ્પાઈન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હતી, ઓપરેશન પછી આઈસીયુમાં શિફ્ટ કરવા માટે એમ્બ્યુલન્સ વાન મંગાવાઈ હતી, વાનમાં ઓક્સિજનના બાટલો ફાટયો હતો, તૂર્ત જ સ્ટાફે અન્ય સગાને વાનમાંથી ઊતરી જવા સૂચના આપી હતી, મોટો અવાજ સંભળાયો અને સગા વાનમાંથી ઉતર્યા એ જોઈ દર્દી હેબતાઈ ગયા હતા. યુવકને ફરી ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો હતો, જ્યાં 10થી 15 મિનિટના અરસામાં મોત થયું હતું. આ યુવક થોડાક દિવસ પહેલાં અકસ્માતમાં ઘવાયો હતો, જેની સારવાર માટે સિવિલ કેમ્પસની આ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો, ડાબા પગે હલન ચલનમાં અને બેસવામાં તકલીફ હતી. મૃતક યુવક પરિવારમાં એકનો એક દીકરો હતો. હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે, અક્સ્માતનો કેસ હોવાથી પોસ્ટ મોર્ટમ વિધિ કરાઈ હતી. ગેસનો બાટલો ફાટયો હોવાથી મોત થયું નથી.