- HCમાં અરજી થતાં આઠ વર્ષે FIR, ફરિયાદ નોંધાયાના 118 દિવસ પછી સાતની ધરપકડ
- વગદાર આરોપીઓના દબાણથી મુક્ત રહી તપાસ કરવી એસીબી માટે કપરું કામ
- રાજકીય દબાણનું તથ્ય હોવા છતાં એફઆઇઆર નોંધાઇ ન હતી
પહેલી એપ્રિલ, 2015ના રોજ થયેલી અરજીના આધારે 8 વર્ષ પછી એટલે કે 26 જાન્યુઆરી, 2023એ એફઆઇઆર નોંધાઇ તેના 118 દિવસ પછી એસીબીએ હળવદ એપીએમસીમાં ડુપ્લિકેટ રિસિપ્ટ ઇશ્યુ કરી સેસની રકમ ઉચાપત કરી જવાના કેસમાં આજે સવારે 4 વાગ્યે સાત આરોપીની ધરપકડ કરી હતી. રાજકીય પીઠબળ ધરાવતા આરોપીઓ એટલા મદમાં હતા કે ફરાર થવાની તસ્દી લીધા વગર ખુલ્લેઆમ ગામમાં ફરતા હતા અને ઘરે જ રહેતા હતા એટલે એસીબીએ તેમને પરોઢિયે ઘરેથી જ દબોચી લીધા હતા. એસીબીના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સમગ્ર કૌભાંડ ખૂબ જ બુદ્ધિપૂર્વક આચરવામાં આવ્યું હોવાથી તેને સમજીને પછી ધરપકડ કરાય તો જ આરોપો પુરવાર થઇ શકે તેમ હતા.
ઉલ્લેખનીય છે કે હળવદ એપીએમસી કૌભાંડ અંગેની અરજી એપ્રિલ, 2015માં થઇ હતી, પરંતુ ચર્ચા મુજબ રાજકીય દબાણનું તથ્ય હોવા છતાં એફઆઇઆર નોંધાઇ ન હતી. આ અરજી કરનારે જે પુરાવા રજુ કર્યા હતા તે એપીએમસીમાં તે સમયે નોકરી કરતા એક વ્યક્તિએ જ આપ્યા હતા. હાલમાં સાક્ષી બનનારા આ વ્યક્તિ નોકરી નથી, પરંતુ આ વ્યક્તિએ હાઇકોર્ટમાં એફઆઇઆર નોંધવા માટે પિટિશન દાખલ કરી હતી. મામલો હાઇકોર્ટમાં જતાં અરજીમાં તથ્ય હોવાથી એસીબી રાજકીય દબાણમાંથી મુક્ત થયું હતું અને અરજીની તારીખથી આઠ વર્ષે એફઆઇઆર નોંધાયા બાદ અંતે આજે સાત આરોપીની ધરપકડ થઇ છે. એસીબીની એફઆઇઆરમાં ઉલ્લેખ મુજબ એક મહિના માટે કૌભાંડ થયું છે. જોકે સાક્ષીના દાવા મુજબ આ કૌભાંડ માત્ર એક મહિના પુરતુ મર્યાદિત નથી. તેણે એપીએમસીના કર્મીઓ દ્વારા ઇશ્યુ કરાયેલી માત્ર એક મહિનાની જ ડુપ્લિકેટ રિસિપ્ટ રજુ કરી હતી. બાકી આ કૌભાંડ તો આઠ વર્ષથી ચાલ્યું આવતું હતું. આ દાવાને જો સાચું માનીએ તો એક મહિનામાં 23 લાખ લેખે આ કૌભાંડ 8 વર્ષમાં 22 કરોડનું થાય. જોકે આ દાવાને પુરવાર કરવો હવે એસીબીના હાથમાં છે અને જો પરી રાજકીય વગથી કૌભાંડ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો જ આ પુરવાર થઇ શકે છે. કૌભાંડનો જે સમયગાળો છે, તે સમયે એપીએમસીના જે સત્તાધીશો હતા તેઓ ખૂબ વગદાર છે આથી એસીબી માટે આ કપરા ચઢાણ સમાન છે. સંદેશ પાસે ઉપલબ્ધ માહિતી મુજબ એફઆઇઆર નોંધાઇ તે પહેલાની તપાસમાં એક આરોપી વિપુલ એરવાડિયાએ તેના નિવેદનમાં ઉચાપતના પૈસા ક્યા સત્તાધીશોને આપ્યા અને કેવી રીતે વપરાયા તે પણ જણાવ્યું છે, જોકે એફઆઇરમાં કોઇ સત્તાધીશને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા નથી.