- લેઉવા પટેલ સમાજના પરિવારે જાગૃતિ દાખવી સ્વજનના અંગોનું દાન કર્યુ
- સીંગણપોર વિસ્તારના પરિવારનો દીકરો બ્રેઈન ડેડ થતા પરિવારે લીધો નિર્ણય
- કિડની, લિવર અને બંને આંખોનું દાન કરી 5 દર્દીઓને મળશે પીડામાંથી મુક્તિ
સુરતના કતારગામમાં આવેલી હીરાની કંપનીના મેનેજર એવા લેઉવા પટેલ સમાજના સીંગણપોર વિસ્તારના બ્રેઈન ડેડ યુવકના અંગદાનથી ઓગ્રોન ફેલ્યોરની તકલીફથી પીડાતા પાંચ વ્યક્તિના જીવનમાં નવી ચમક આવશે. બ્રેઈન ડેડ સ્વજનની કિડની, લિવર અને બંને ચક્ષુનું દાન કરી પરિવારે દાખવેલી જાગૃતિ સમાજ માટે પ્રેરણાદાયી બની રહેશે.
મુળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના માંડવી ગામના વતની જેનીશભાઈ વલ્લભભાઈ ગુજરાતી (ઉં.વ. 26) પરિવાર સાથે સીંગણપોર સ્થિત આદર્શ સોસાયટીમાં રહેતા હતા. કતારગામ વિસ્તારમાં આવેલી હીરાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા જેનીશભાઈ ગત તા. 7મીએ સવારે નોકરીએ ગયા હતા. થોડા સમય બાદ જેનીશભાઈ કર્મચારીઓને નાસ્તો કરીને આવું છું એમ કહીને કંપનીમાંથી નીકળ્યા બાદ જિલ્લાની બ્રિજ પર પહોંચ્યા હતા અને તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું.
બીજી બાજુ ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે તેમને નદીમાંથી બહાર કાઢી સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન તેમને બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે કતારગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગુરુવારે તબીબોની ટીમે જેનીશભાઈને બ્રેઈન ડેડ ઘોષિત કર્યા હતા. ડોનેટ લાઈફની ટીમે જેનીશભાઈના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતા તેઓ અંગદાન કરવા સહમત થયા હતા. બ્રેઈન ડેડ જેનીશભાઈની એક કિડની અમદાવાદની 37 વર્ષીય યુવતીમાં, બીજી કિડની સુરતના 32 વર્ષીય યુવકમાં, લિવર નવસારીના 39 વર્ષીય યુવકમાં અને બંને ચક્ષુ બે જરૂરીયામંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા.