- ગ્રાહકોને મેસેજ કરીને ફ્લાઇટ રદની આપી જાણકારી
- સુરત-કોલકાતા માટે શરૂ થવાની હતી ફ્લાઇટ
- નવી ફ્લાઇટનું બુકિંગ બંધ થતા પ્રવાસીઓમાં અટવાયા
સુરતથી કોલકાતા માટે નવી ફ્લાઇટ શરૂ થવાની રાહ જોઇ રહેલા સુરતીઓની આશા પર પાણી ફરી વળ્યુ છે. ઇન્ડિગોએ ૩ જુલાઇથી સુરતથી કોલકાતા માટે શરૂ થનારી ફ્લાઇટનું બુકિંગ બંધ કરી દીધુ છે. ફ્લાઇટમાં બુકિંગ કરનારા ગ્રાહકોને મેસેજ કરીને ફ્લાઇટ કેન્સલ થયાની જાણકારી આપવામાં આવી છે.
એરપોર્ટના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ૩ જુલાઇથી સુરત-કોલકાતાની ફ્લાઇટ શરૂ કરવાની યોજના હતી. જેના માટે ગ્રાહકો દ્વારા બુકિંગ પણ કરવામાં આવી રહ્યું હતું, જોકે અચાનક ઇન્ડિગો દ્વારા બુકિંગ બંધ કરવામાં આવતા ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરો અટવાયા છે. જેને પગલે સુરતથી કોલકાતા માટે નવી ફ્લાઇટનું રાહ જોનારા સુરતીઓને આખરે નિરાશા મળી છે. સુરતથી વાયા કોલકાતા અન્ય શહેરો માટે કે વિદેશની ફ્લાઇટ બુક કરાવનારા યાત્રીઓને ફ્લાઇટ રદ થયા અંગેનો મેસજ મળતા નિરાશા મળી હતી. ઉલ્લેખનીય છેકે, સુરત એરપોર્ટ પરથી ચેન્નઇ, મુંબઇ, વારાણસી સહિતના શહેરો માટે કનેક્ટિવિટી શરૂ થાય તે માટે વાંરવાર સુરતીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ જે રીતે ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી છે, તેને લીધે શહેરીજનોને નારાજગી જોવા મળી રહી છે. સુરત-કોલકાતાની ફ્લાઇટનું બુકિંગ બંધ થતા મુસાફરો અટવાયા છે.