- ઈન્ટરનલના બોગસ માર્કવાળી 67 સ્કૂલને નોટિસ
- વિષય પ્રમાણે સર્વગ્રાહી પરિણામ પત્રકો લઈને રૂબરૂમાં બોલાવ્યા છે
- સ્કૂલો દ્વારા આંતરિક મૂલ્યાંકનમાં 20માથી 20 ગુણ આપવામાં આવ્યાં
ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્કૂલો દ્વારા કુલ 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન કરવાનું હોય છે, આ મૂલ્યાંકનમાં સ્કૂલો માનિતા વિદ્યાર્થીઓને આડેધડ મનફાવે તેવા માર્કસ આપતી હોવાની દર વર્ષે ફરિયાદો ઉઠે છે. જોકે આ વખતે આવી 67 સ્કૂલો દ્વારા આંતરિક મૂલ્યાંકનમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનુ બોર્ડના ધ્યાને આવ્યુ છે. આ સ્કૂલોના 105 વિદ્યાર્થી એવા છે કે, જેઓ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા છે જ્યારે બીજી તરફ સ્કૂલો દ્વારા આંતરિક મૂલ્યાંકનમાં 20માથી 20 ગુણ આપવામાં આવ્યાં છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ સ્કૂલોના આચાર્યોને નોટિસ પાઠવી રૂબરૂ હાજર રહેવાનું ફરમાન મોકલાયું છે. ધો.10ના વિદ્યાર્થીઓને સ્કૂલો દ્વારા 20 માર્કસનું આંતરિક મૂલ્યાંકન કરવામાં આવતુ હોય છે, જે માર્કસ બોર્ડને મોકલવામાં આવે છે. 20 ગુણના આંતરિક મૂલ્યાંકનમાં સ્કૂલો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની વિગતો બોર્ડને ધ્યાનમાં આવી છે. જેમાં બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા 105 વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનમાં 20માંથી 20 ગુણ આપવામાં આવ્યાં છે. આ બાબત શિક્ષણ બોર્ડના ધ્યાને આવતા તેમણે તાત્કાકીલ આવી સ્કૂલોના આચાર્યોને વિદ્યાર્થીઓના પ્રથમ, દ્વિતીય પરીક્ષાની ઉત્તરવહીઓ, નોટબુક કે સબ્જેક્ટ રિલેટેડ થયેલી એક્ટિવિટીના દસ્તાવેજો, ઓનલાઈન ગુણાંકનની વિગતો, વિષય પ્રમાણે સર્વગ્રાહી પરિણામ પત્રકો લઈને રૂબરૂમાં બોલાવ્યા છે.