- IITEથી છૂટી પડેલ બી.એડ.કોલેજોના પુનઃ જોડાણ અંગે ઠરાવ પ્રસિદ્ધ
- સરકારી યુનિવર્સિટીઓને કોલેજના જોડાણ અંગે કાર્યવાહી કરવા સરકારની સૂચના
- પરીક્ષા સહિત એકેડેમિક પ્રવૃત્તિઓ IITE દ્વારા કરવાની રહેશે.
ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડાયેલી 40 બી.એડ. કોલેજોને ત્રણ વર્ષ બાદ ગત એપ્રિલમાં ફરી જે-તે યુનિવર્સિટીઓને પરત કરવા અંગેનો નિર્ણય કરી દેવામાં આવ્યો પરંતુ જે-તે યુનિવર્સિટીઓએ આ કોલેજોને પરત લેવી અને નવેસરથી જોડાણ આપવા અંગે ઠરાવ પ્રસિદ્ધ કરાયો નહોતો. યુનિવર્સિટી અને કોલેજોની અનેક રજૂઆતના પગલે નિર્ણયના ત્રણ મહિના બાદ કોલેજોના જોડાણ અંગે સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી યુનિવર્સિટીઓને સુચના આપવામાં આવી છે કે, વર્ષ-2023-24ના શૈક્ષણિક વર્ષથી સંબંધિત બી.એડ. કોલેજોના પુનઃ જોડાણ અંગે સત્વરે કાર્યવાહી કરવામાં આવે. સરકારના આ નિર્ણયથી ગુજરાત યુનિવર્સિટી સહિત જે યુનિવર્સિટીઓ દ્વારા કોલેજોને શરતી જોડાણની મંજુરી આપવામાં આવી હતી તેના માટે હવે કાયમી જોડાણ માટે કાર્યવાહી કરવામાં આવશે. સરકારે તેના ઠરાવમાં એવી પણ સ્પષ્ટતા કરી છે કે, જે વિદ્યાર્થીઓના એડમિશન વર્ષ-2019થી 2022 દરમ્યાન થયેલ છે, તે વિદ્યાર્થીઓનો અભ્યાસ, પરીક્ષા સહિત એકેડેમિક પ્રવૃત્તિઓ IITE દ્વારા કરવાની રહેશે.
રાજ્યની વિવિધ યુનિવર્સિટી સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ બી.એડ. કોલેજો ગત જૂન-2020માં ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન (IITE) ગાંધીનગર સાથે જોડવામાં આવી હતી. નવી શિક્ષણનીતિમાં થયેલા સુચનો પૈકી 4 વર્ષના બી.એ.-બી.એડ. અભ્યાસનો અમલ થતાં બી.એડ. કોલેજોને જે-તે યુનિ.ને સોંપવનો ગત 6 એપ્રિના રોજ નિર્ણય લેવાયો હતો.