સુશાસન દિવસ
સ્વચ્છતા હી સેવા અને સુશાસન દિવસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર અમરેલી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી વિભાગ ગુજરાત રાજય એસ ટી અને અમરેલી જીલ્લાકલેકટર કચેરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
અમરેલી: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં રાજયના તમામ જિલ્લાઓ જોડાયા હતા. મહત્વનું છે કે, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારીજીના જન્મદિન નિમિત્તે તા.૨૫ ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે.
સુશાસનને મૂળ મંત્ર બનાવી સુશાસનની ઉજ્જવળ પરંપરાઓને નવા સંકલ્પોથી આગળ વધારવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી સમયસર પહોંચે, નાગરિકોને સુવિધાઓ મળી રહે, ગુણવત્તાઓ અને પારદર્શિતા જળવાઇ રહે તે ઉદ્દેશ્ય સાથે રાજયમાં સુશાસનને લગતી કામગીરીઓ આગળ વધી રહી છે. છેવાડાના નાગરિકોને લાભાન્વિત કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. સુશાસન એ એક યાત્રા છે નવા અભિગમ સાથે સુવિધાઓમાં ઉમેરો થાય તેની મૂલવણી અને આકારણી કરવામાં આવે છે.
સુશાસનની સિધ્ધીઓ અને સ્વચ્છતા હી સેવા અભિયાનને લગતી કામગીરીઓને આવરી લેતી ફિલ્મ પણ આ પ્રસંગે દર્શાવવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કર્મચારીઓને લગતી બાબતોને આવરી લેતા પોર્ટલ ‘કર્મયોગી – એચઆરએમએસ ૨.૦’ તૈયાર કરવામાં આવતા લોંચ કરવામાં આવ્યું હતું. પ્રજાકલ્યાણકારી કાર્યો વધુ સારી રીતે થઇ શકે તે માટે રાજયના વિવિધ ચાર વિભાગોની પાંચ એપ્લિકેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિર્મળ ગુજરાત ૨.૦ માર્ગદર્શિકાનું અનાવરણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે, ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટર અને અમરેલી – વડીયા – કુંકાવાવ નાયબ કલેકટર શ્રી દેસાઇની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
સ્વચ્છતા હી સેવા અને સુશાસન દિવસ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગુજરાત રાજય એસ ટી અમરેલી વિભાગ અને અમરેલી જિલ્લા કલેકટર કચેરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જીલ્લાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા
દિવ્યા