સાઇન બોર્ડમાં શોર્ટ સરકીટથી લાગેલી આગના કારણે કાપડના શો રૃમ અને ક્લિનીકની બહારના ભાગે નુકસાન
કાપોદ્રા ચાર રસ્તા હીરાબાગ ખાતે સવારે બિલ્ડિંગના ગ્રાઉન્ડ પર ટાઈલ્સની દુકાનમાં સાઇન બોર્ડમાં આગ ફાટી નીકળી હતી. આ આગ ફેલાઈને પહેલા માળે કાપડના શોરૃમ અને બીજા મળે ડાયાબિટીસ ક્લિનીકને લપેટમાં લેતા ભાગદોડ મચી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કાપોદ્રા ચાર રસ્તા પાસે હીરાબાગ જતા રોડ પર આવેલી બિલ્ડિંગના ગ્રાઉન્ડ પર આજે રવિવારે સવારે રાજ ટાઇલ્સ નામની દુકાનની બહારના ભાગે સાઈન બોર્ડમાં ઇલેક્ટ્રીક શોર્ટ સરકીટ થતા આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગ ફેલાઈને પહેલા માળે આવેલા કલ્ચર વેડિંગ નામના કપડાના શો-રૃમના આગળના ભાગે લગાડેલા એલઇડીને લપેટમાં લીધું હતુ. બાદમાં આગથી બીજા માળે આવેલા મધુ શાંતિ ડાયાબિટીસ ક્લિનીકના બહારની સાઇડમાં આવેલી બે- ત્રણ બારીના કાચ ફૂટી ગયા હતા. આગના લીધે ત્યાં વધુ પ્રમાણમાં ધુમાડો ફેલાતા ભાગદોડ મચી ગઇ હતી. અને પણ ટ્રાફિક જામ થયો હતો. કોલ મળતા કાપોદ્રા, કતારગામ, ઘાંચીશેરી, મોટા વરાછા અને પુણા ફાયર સ્ટેશનનો ફાયરનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો અને સતત પાણીનો છંટાવ કરીને અડધો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જેના લીધે ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ આગને લીધી ત્રણેય મિલકતના આગળના ભાગમાં નુકસાન થયુ હતુ. જયારે બાકીનો માલસામાન ફાયરની ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લેતા બચી ગયો હતો. આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસર વિનોદ રોજીવાડીએ જણાવ્યું હતુ.