સુરત સિવિલ હોસ્પિટલમાંથી એક સગીર આરોપી ભાગી ગયો હતો. મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને ચકમો આપી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો છે. રિમાન્ડ હોમમાં રહેલા સગીર આરોપીએ ચાર દિવસ અગાઉ ન્હાવાનો સાબુ ખાઈ જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
બાથરૂમમાં આવેલી લોખંડની જાળી ઊંચી કરી આરોપી ભાગ્યો
સિવિલ હોસ્પિટલમાં આવેલા વોર્ડમાં સગીર આરોપીની પોલીસની નજર હેઠળ સારવાર ચાલી રહી હતી. આરોપીએ ટોઇલેટ જવાનું કહી પોલીસ જવાન પાસે પગમાંથી હાથકડી ખોલાવી બાથરૂમમાં ગયો હતો. ત્યારબાદ બાથરૂમમાં આવેલી લોખંડની જાળી ઊંચી કરી આરોપી ભાગી છૂટતા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
રિમાન્ડ હોમમાં ન્હાવાનો સાબુ ખાઈ ગયો
મળતી માહિતી પ્રમાણે વાપી રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ઇમરાનનગર ખાતેથી વાપી પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં 15 વર્ષીય સગીર આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટ દ્વારા આરોપીને રિમાન્ડ હોમમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુરતના ઘોડ દોડ રોડ સ્થિત ચાઈલ્ડ રિમાન્ડ હોમમાં આ આરોપીને રાખવામાં આવ્યો હતો. દરમિયાન 20 એપ્રિલના રોજ સગીર આરોપી રિમાન્ડ હોમમાં ન્હાવાનો સાબુ ખાઈ ગયો હતો. જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ટોઇલેટ જવાના નામે હાથકડી ખોલાવી
સિવિલ હોસ્પિટલના વોર્ડમાં છેલ્લા ચાર દિવસથી સગીર આરોપીની સારવાર ચાલતી હતી. દરમિયાન ટોઇલેટ જવા માટે ફરજ પરના હાજર પોલીસ જવાનને કહ્યું હતું. જેથી પોલીસ જવાને આરોપી સગીરના પગમા બાંધેલી હાથકડી ખોલતા ટોઇલેટ કરવા ગયો હતો. આ તકનો લાભ લઈ સગીર આરોપી બાથરૂમમાં લોખંડની ખુલ્લી જાળી ઊંચી કરી ભાગી ગયો હતો.
સગીર આરોપી ભાગી જતાં પોલીસ દોડતી થઈ
બાથરૂમમાં ગયેલ આરોપી ઘણો સમય થઈ ગયા છતાં બહાર નહીં આવતા પોલીસ જવાને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો ન ખોલતા શંકા ગઈ હતી. જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી શૌચના બહાને બાથરૂમની જાળી ઊંચી કરી ભાગી છૂટ્યો હતો. સગીર આરોપી પોલીસ જાપ્તા વચ્ચે ભાગી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી. જ્યાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રશિંહ બારીયાની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ગુનો નોંધી સગીરની શોધખોળ હાથ ધરી હતી.