- નાનપુરામાં મકાનમાં હાથી ઘૂસી ગયાનો ફેક કોલ કરી ટીખળખોરે ફાયરને દોડાવી
- ફાયર ઘટનાસ્થળે પહોંચતા માલિક હાથીને લઈ ગયાનું જણાવાયું
શનિવારે નાનપુરાના એક યુવકે મકાનમાં હાથી ઘુસી ગયો હોવાનો ફેક કોલ કરી ફાયરબ્રિગેડ અને પોલીસને એપ્રિલફુલ બનાવી હોવાનું સામે આવ્યું છે. યુવકનો કોલ મળતાની સાથે ફાયરબ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જતા યુવકે હાથીનો માલિક તેને લઈ ગયો હોવાનું જણાવી ફાયરબ્રિગેડને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફાયરબ્રિગેડ અને પોલીસે આસપાસના લોકોની પુછપરછ કરતા આવો કોઈ બનાવ બન્યો ન હોવાનું સામે આવતા આખરે ફાયરબ્રિગેડે ફેક કોલ કરનાર યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
યુવકે મકાનમાં હાથી ઘુસી ગયો હોવાનો ફેક કોલ કર્યો
નાનપુરાના માછીવાડ ભંડારી વાડ રેકોર્ડ ઓફિસની સામે રહેતા બાદશાહ અહેમદ ખાન નામના યુવકે શનિવારે સાંજે ફાયર કંટ્રોલમાં ફોન કરી તેના મકાનમાં હાથી ઘૂસી ગયો હોવાનું જણાવ્યું હતું. બાદશાહે કરેલા કોલને પગલે ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી
ફાયર ઓફિસર રાજેશ દેશમુખે જણાવ્યું હતું કે, મકાનમાં હાથી ઘુસી ગયો હોવાનો કોલ મળતા અમારી ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે, ત્યાં પહોંચ્યા ત્યારે મકાનમાં હાથી ઘુસ્યો હોય તેવું કઈ જણાઈ આવ્યું ન હતું જેથી કોલ કરનાર બાદશાહને પુછપરછ કરતા તેણે મકાનમાં ઘુસેલો હાથી તેનો માલિક લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. જોકે, મકાનમાં કોઈ નુકસાન ન જણાતા તેની વાત ગળે ઉતરી ન હતી.
કોલરે ફેક કોલ કરી ફાયરબ્રિગેડ અને પોલીસને ગેરમાર્ગે દોરી
આસપાસના લોકોની પુછપરછ કરતા તેમણે પણ આવી કોઈ ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું. જેથી કોલરે ફેક કોલ કરી ફાયરબ્રિગેડ અને પોલીસને ગેરમાર્ગે દોરી પરેશાન કર્યા હોવાનું સામે આવતા યુવકે ફાયરબ્રિગેડ અને પોલીસને એપ્રિલ ફુલ બનાવી હોવાનુ હોવાનું સામે આવ્યું છે.
ફાયરને ફેક કોલ કરનાર યુવક સામે ફરિયાદ નોંધાવાશે
ફાયરબ્રિગેડના સીએફઓ બસંત પરીકે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડને ફેક કોલ કરીને ક્રૂર મજાક કરનારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સીસીટીવી અને કોલ ડિટેઈલ સહિતના પુરાવા એકત્ર કરી ફરિયાદ નોંધાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.