- AMCમાં ભાજપે ‘મોસાળમાં જમવાનું અને મા પીરસનારી’ કહેવત સાર્થક કરી
- પોતાની સોસાયટીમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યાની પોસ્ટ મુકતા લોકો વિફર્યા
- ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો
શહેરના દક્ષિણ ઝોનના ઈસનપુર વોર્ડની આલોક પુષ્પક સોસાયટીમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવડાવીને તાજેતરમાં પડેલા વરસાદમાં સોસાયટીમાં પાણી ભરાયા નથી તેવી ઈસનપુરના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડિંગના ડેપ્યૂટી ચેરમેન શંકર ચૌધરીએ ફેસબુક પોસ્ટ મૂકવાને પગલે વિવાદ સર્જાયો છે. ‘મોસાળમાં જમવાનું અને મા પીરસનારી’ કહેવતની જેમ રોડ એન્ડ બિલ્ડિંગના ડે. કમિટીના ડે. ચેરમેને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં ફ્ક્ત પોતાની જ સોસાયટીના રોડને પ્રાધાન્ય આપ્યું છે અને ઈસનપુર વોર્ડ સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પાણી ભરાતા રોડની ચિંતા કરવાને બદલે ફ્ક્ત પોતાની જ સોસાયટીની ચિંતા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ચોમાસામાં જળબંબાકાર બની જતા શહેરના અન્ય રસ્તાઓને ‘નજર અંદાજ’ કરીને ફક્ત પોતાની જ સોસાયટીના રહીશોના જ હિતને ધ્યાનમાં લઈને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવડાવીને સોશિયલ મીડિયામાં આલોક પુષ્પક સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી ચારથી પાંચ ફુટ પાણા ભરાવાનો પ્રશ્ન હતો તે પ્રશ્ન હલ થયો છે બે દિવસથી વરસાદ પડયો તેમાં આ રોડ પર પાણી નથી ભરાયું’ તેવી પોસ્ટ કરી ઉત્તમ કામગીરી કરી હોવાની પોસ્ટ કરતાં ચર્ચાનો વિષય બન્યો છે. ડે. ચેરમેન તરીકેની ટર્મ પૂરી થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તેમણે પોતાના ‘ઘર પાસે ભરાતા પાણીના પ્રશ્નનો ઉકેલ’ લાવી દીધો છે. એક ઈંચ વરસાદ વરસતાં જળબંબાકાર બની જતા હાટકેશ્વર સર્કલ, અમરાઈવાડી, હેલ્મેટ સર્કલ, ગુરૂકુળ રોડ, સરસપુર વોરાના રોજા, ઈન્ડિયા કોલોની, વેજલપુર, ખોખરા, નરોડા, વગેરે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા કોઈ પગલાં લેવાયા નથી. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ડેપ્યુટી ચેરમેન છે ત્યારે શહેરના તમામ વિસ્તારોમાં પાણી ન ભરાય અને ત્યાં પણ રોડ ઝડપી બને તેની ચિંતા કરવાની હોય છે પરંતુ ભાજપના આ નેતાએ તો પોતાની જ સોસાયટીના રોડની ચિંતા કરી અને ત્યાં સૌથી પહેલા રોડ બનાવડાવ્યો છે. જેના પગલે ડે. ચેરમેને પોતાની સોસાયટીમાં રોડ બનાવતાં તેમને મુશ્કેલી પડશે નહીં, પરંતુ અન્ય વિસ્તારોના રહીશોને પડનારી તકલીફોનું શું થશે ? તેવો ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.