- શહેરના તળાવોને ટ્રીટ કરાયેલ, શુદ્ધ પાણીથી ભરવા AMCનો રૂ. 85 કરોડનો પ્રોજેક્ટ
- બગીચામાં ટ્રીટ કરેલા પાણીનો ઉપયોગ થશે
- શુદ્ધ પાણીથી તળાવો ભરાતાં ભૂગર્ભ જળ રિચાર્ચ થશે
AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તળાવોને ટ્રીટ- શુદ્ધ કરેલા પાણીથી ભરવા માટે પ્રત્યેક નવ તળાવ પર 2 MLDની ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) લગાવવામાં આવશે. AMC દ્વારા આ પ્રોજેક્ટ પાછળ રૂ. 85 કરોડથી વધુનો ખર્ચ કરાશે. શહેરમાં કેટલાંક તળાવ પર STP લગાવવાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. મ્યુનિ. હદ અને કાર્યક્ષેત્રમાં કુલ 156 તળાવો આવેલા અને તે પૈકી 28 તળાવ ડેવલપ કરાયા છે. મ્યુનિ. દ્વારા સંપૂર્ણ રીતે ડેવલપ કરાયેલા 28 તળાવોમાં વોક વે, RCC રિટેઈનિંગ વોલ, નેચરલ દિવાલ, ગાર્ડન એરિયા, રમતગમતના સાધનો સાથે કિડ્ઝ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરીજનોને ગંદા- દુર્ગંધયુક્ત પાણી ભરેલા તળાવોથી છુટકારો આપીને આ તળાવોમાં ટ્રીટ કરેલા શુદ્ધ પાણીથી ભરવાની નેમ સાથે આ કવાયત હાથ ધરવામાં આવી છે. ટ્રીટ- શુદ્ધ કરેલા પાણીનો બાગ- બગીચામાં ઉપયોગ કરવાનો પણ આ હિલચાલનો ઉદ્દેશ છે. શહેરમાં 20 MLDની ક્ષમતા ધરાવતા મુખ્ય STP પરનું ભારણ ઘટાડવાનો પણ આ હેતુ છે. શુદ્ધ- ટ્રીટ કરેલા પાણીથી તળાવો ભરવાને પરિણામે આસપના આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભજળનું રિચાર્જ પણ થશે. ભાડજ, ઓગણજ, ઓકાફ, હાથીજણ અને મુઠિયા ગામમાં તળાવો ફક્ત ડેવલપ કરાશે નહીં, પરંતુ તેમાં STPનો પણ સમાવેશ કરવામાં આવશે. આ વખતે STPની ક્ષમતા વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વસ્ત્રાપુર તળાવ ખાતે STPની ક્ષમતા માત્ર 0.5 MLD હોવાને કારણે તે સફ્ળ થયું ન હતું. જ્યારે લાંભાના તળાવ ખાતે 5- MLD ક્ષમતાનું STP સારું કામ કરી રહ્યું છે. વસ્ત્રાપુર તળાવ પણ ચોમાસામાં ભરાઈ જાય છે. જો કે, મૂળ આયોજન કરતાં તળાવની ઊંડાઈ વધી ગઈ હોવાથી, પાણી તળિયે જાય છે. પરિણામે, વસ્ત્રાપુર તળાવ ભરાઈ શકતું નથી. હાલમાં તળાવો ડેવલપ કરતી વેળા આ સમસ્યાઓને ધ્યાનમાં લેવામાં આવી છે. આ પાંચ તળાવો પ્રત્યેક રૂ. 7થી રૂ.10 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. નેશનલ પ્લાન ફેર કન્ઝર્વેશન ઓફ્ એક્વાટિક ઇકોસિસ્ટમ (NPCA) હેઠળ ડેવલપ કરવામાં આવનાર જગતપુર તળાવ ખાતે 2 MLD ક્ષમતાનો STP લગાવાશે.ત્રણ મહિના પહેલાં મંજૂરી મળેલા આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 7.5 કરોડ છે. જ્યારે સોલા તળાવ, અસારવા તળાવ છે અને રાજપથ ક્લબ પાછળ મહિલા તળાવ સહિત ત્રણ તળાવો ખાતે કામ ચાલી રહ્યું છે. આ પ્રત્યેક તળાવ ડેવલપ કરવા માટે રૂ. 9 કરોડનો ખર્ચ નક્કી કરાયો છે અને તમામ તળાવ ખાતે 2 MLDનો STP લગાવાશે. આ પ્રોજેક્ટ રિટેન્ડર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ ટેન્ડરમાં, ક્વોટ કરાયેલા દરો અંદાજિત ખર્ચ કરતાં 45% વધુ હતા. રિટેન્ડરિંગ પછી, કિંમતો ઘટીને 35% થઈ ગઈ છે. આથી ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. તમામ શહેરોમાં પાણી પુરવઠો પૂરો પાડવા, જળાશયોનું પુનર્જીવન, ટ્રીટેડ પાણીનો રિસાયકલ અને પુનઃઉપયોગ કરવાનો અમૃત યોજના ફેઝ-2નો ઉદ્દેશ ઉદ્દેશ છે. આમાંથી મોટાભાગના તળાવો આ યોજના હેઠળ આવરી લેવાશે. આ પ્રોજેક્ટ માટે સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 50 – 50 ટકા ખર્ચ ભોગવશે.