- પાંચ અધિકારીઓની સ્ક્રેપ નિકાલ કમિટી રચવા કમિશનરની તાકીદ
- સ્ક્રેપનો નિયમિત નિકાલ ન થવાથી ગંદકી અને રોગચાળો ફેલાતો અટકાવવા પગલાં
- AMC કમિશનર એમ. થેન્નારસને સરક્યુલર જારી કર્યો છે
AMCના એન્જિનીયરિંગ, હેલ્થ, સેન્ટ્રલ સ્ટોર સહિત જુદા જુદા વિભાગો અને તમામ ઝોન દ્વારા દર ત્રણ મહિને બિનઉપયોગી – સ્ક્રેપ મટીરીયલ્સ/ આઈટેમનું સિલ્ટ તૈયાર કરીને તેનો નિકાલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ હેતુસર AMC કમિશનર એમ. થેન્નારસને સરક્યુલર જારી કર્યો છે. AMCના વિવિધ વિભાગો, ઝોનલ અને સબ ઝોનલ કચેરી, મ્યુનિ. હોસ્પિટલો, મ્યુનિ. શાળાઓ સહિતની પ્રિમાઈસીસમાં બિનઉપયોગી ફર્નીચર, મશીનરી, સાધનો, વગેરેનો નિયમિત રીતે નિકાલ નહીં થવાને કારણે સ્ક્રેપ- ભંગાર વર્ષોથી પડી રહેલો જોવા મળે છે અને તેના કારણે ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફેલાવાની શક્યતા રહેલી છે. આ બાબતને ધ્યાનમાં લઈને મ્યુનિ. કમિશનરે તમામ ઝોન/ વિભાગોને હવેથી દર ત્રણ મહિને સ્ક્રેપ વિશે માહિતી તૈયાર કરીને ભંગારનો નિકાલ કરવા તાકીદ કરી હોવાનું જાણવા મળે છે. ઝોન- વિભાગનાં બે અધિકારી, ઓડિટ વિભાગનાં અધિકારી, વિજિલન્સ વિભાગનાં અધિકારી, સેન્ટ્રલ સ્ટોર્સનાં આસી. મેનેજરનો સમાવેશ કરીને સ્ક્રેપ નિકાલ કમિટીની રચના કરવા સૂચના આપી છે. સ્ક્રેપ માલનાં નાણાં જમા લઇને તે અ.મ્યુ.કો નાણાં ખાતે જમા કરાવી ઓડિટ અને વિજિલન્સ વિભાગનાં સભ્યો સહિત નિયમ કમિટીની હાજરીમાં જે-તે સ્ક્રેપ માલની ડિલિવરી કરવાની રહે છે. અગાઉ, 2020માં આ પ્રકારનો સરક્યુલર કરાયો હતો. પરંતુ અગમ્ય કારણોસર તેનો અમલ કરાયો ન હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.